ખંભાળિયાના પોશ વિસ્તાર એવા બેઠક રોડ નજીક એક મારુતિ કાર શોર્ટ સર્કિટના કારણે એકાએક સળગી ઉઠી હતી. ફાયર સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો.
આ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના બેઠક રોડ વિસ્તાર નજીક નવાપરા ખાતે રહેલી જીજે-01-એચએલ-1208 નંબરની એક મારુતિ મોટરકાર ગઈકાલે બુધવારે સાંજે ચારેક વાગ્યે એકાએક સળગી ઉઠી હતી. કારના ચાલક દ્વારા સીએનજી ફિટિંગ વાળી મોટરકાર ચાલુ કરીને ચલાવાતા આગળના ભાગે આગ લાગી હતી. જેથી સમય સૂચકતા વાપરીને કાર ચાલક કારમાંથી નીકળીને સલામત સ્થળે પહોંચી ગયો હતો. જેથી જાનહાની થતા ટળી હતી.
આગના આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામા આવતા અહીંના ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવે થોડો સમય સ્થાનિકોમાં દોડધામ પ્રસરાવી દીધી હતી. આ બનાવ બનતા સાવચેતીના પગલારૂપે પીજીવીસીએલ દ્વારા થોડો સમય વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.