Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામગરમાં વેપારીઓ સાથે કરોડોનું ફુલેકું ફેરવનાર શખ્સને કોર્ટમાં રજૂ કરાયો

જામગરમાં વેપારીઓ સાથે કરોડોનું ફુલેકું ફેરવનાર શખ્સને કોર્ટમાં રજૂ કરાયો

- Advertisement -

જામનગરમાં ચારેક વર્ષ પહેલાં સાતેક જેટલાં વેપારીઓને એગ્રો કલ્ચરની દવા હોલસેલમાં ખરીદવાની છે તેમ કહી એક ફંદાબાજે કરોડોનું ફૂલેકું ફેરવી નાખ્યું હતું. આ શખ્સે જામનગર ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો અને રાજસ્થાનમાં પણ પોતાનો આવી જ રીતે કરતબ બતાવી સાઈઠેક કરોડનું ફૂલેકું ફેરવ્યું છે. આ શખ્સને આજે ભરૂચ પોલીસે જામનગરની અદાલતમાં રજૂ કર્યો છે.

- Advertisement -

જામનગરના રણજીત સાગર રોડ પર ચારેક વર્ષ પૂર્વે અંબીકા એગ્રો સેન્ટર નામની એક પેઢી શરૂ કરવામાં આવી હતી. તે પેઢીના સંચાલક જયેશ અંંબીકાદત્ત જોષી નામના શખ્સે જામનગરમાં એગ્રો કલ્ચરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓનો સંપર્ક કરી તેઓની એગ્રોની દવાનું પોતાની પાસે બહુ મોટું માર્કેટ હોવાની વાતો કર્યા પછી વિશ્વાસ કેળવી હોલસેલમાં જંગી માત્રામાં દવાની ખરીદી કરી હતી.

આ શખ્સે જામનગરના સાતેક જેટલાં વેપારીઓને સાણસામાં લીધાં હતાં. તે વેપારીઓને દવા મોટાં પ્રમાણમાં વેચાવી આપવાની આંબા-આંબલી બતાવી જયેશ જોષીએ એકાદ કરોડ રૂપિયાની દવા ઉધાર ખરીદી હતી. તે પછી વર્ષ 2017માં અચાનક જ પોતાની પેઢી બંધ કરી દેતાં વેપારીઓના શ્ર્વાસ અધ્ધર થઈ ગયાં હતાં. આ શખ્સની શરૂ કરાયેલી શોધખોળમાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અંતે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જયેશ અંબિકાદત્ત જોષી સામે ફૂલેકું ફેરવી નખાયાની ફરિયાદ નોંધાઈ હતી. તેમ છતાં આ શખ્સ પોલીસની ગિરફતથી દૂર રહેવામાં સફળ થતો હતો.

તે દરમિયાન ફૂલેકાંબાજ જયેશ જોષીએ જામનગર ઉપરાંત રાજકોટ, જૂનાગઢ અને અમદાવાદમાં પણ આવી જ રીતે કેટલાંક વેપારીઓને શીશામાં ઉતાર્યાનું ખુલ્યું હતું. આ શખ્સે ગુજરાતના અન્ય કેટલાંક શહેરોમાં પણ પોતાની માયાજાળ પાથરવા ઉપરાંત રાજસ્થાન રાજ્યમાં પણ વેપારીઓ સાથે આવી જ રીતે હોલસેલમાં એગ્રોની દવા ખરીદ્યા પછી તે દવાનું સસ્તા ભાવે કયાંક વેચાણ કરી રોકડી કરી લીધાનું બહાર આવ્યું હતું.

આ આરોપી તાજેતરમાં ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પોલીસની પકડમાં આવી ગયો હતો. તેની ક્રાઈમ કુંડળી પોલીસે શોધી કાઢયા પછી આરોપી ઝડપાયાની જાણ કરી હતી. જેના પગલે આજે જામનગરની અદાલતમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. તેને જામનગરની જિલ્લા જેલમાં મોકલી આપવાની તજવીજ કરવામાં આવી રહી છે. ત્યારપછી જામનગર ઉપરાંત રાજ્યભરની પોલીસ તેનો કબ્જો સંભાળશે. જામનગરના ભોગ બનનાર વેપારીઓના વકીલ બિન્દુલ શેઠ દ્વારા અદાલતમાં ઉપસ્થિત રહી દલીલો કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular