Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર પોલીસના લોન મેળામાં 22 લાખની લોન અપાઇ

જામનગર પોલીસના લોન મેળામાં 22 લાખની લોન અપાઇ

અત્યાર સુધીમાં કુલ 84 કેમ્પમાં બેંકો અને ધિરાણ મંડળીઓ દ્વારા રૂા.97.50 લાખની લોન મંજૂર કરવામાં આવી : લોકોને વ્યાજખોરોની ચૂંગાલમાંથી છોડાવવા જામનગર પોલીસના આ પગલાને આવકાર

- Advertisement -

જામનગરના લોકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવાના ભાગરૂપે જામનગર પોલીસ દ્વારા ગઇકાલે પોલીસ હેડકવાર્ટરમાં રાજકોટ રેંજના આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ એસપી પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાને યોજાયેલા લોન ધિરાણ કેમ્પમાં કુલ છ વ્યક્તિઓને 22 લાખથી વધુનું બેંક ધિરાણ આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા અત્યાર સુધી યોજાયેલા જુદાં-જુદાં લોન ધિરાણ કેમ્પમાં 97 લાખની રકમ જરૂરિયાત ધરાવતા લોકોને લોન તરીકે અપાવવામાં પોલીસને સફળતા મળી છે.

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત અનેક વ્યાજખોરોને જેલ ભેગા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ લોકોને વ્યાજખોરોની ચૂંગલમાંથી બચાવવા માટે તેમને લોનની જરૂરિયાત સંતોષાય તે માટે પોલીસ દ્વારા બેંક લોન ધિરાણ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાતમંદોને લોન મેળવવામાં સરળતા રહે તેમજ લોન અંગેની તમામ પ્રકારની માહિતી એક જ જગ્યાએથી મળી રહે તે માટે ગઈકાલે પોલીસ હેડકવાર્ટરમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોન મેળામાં 500 થી વધુ આસામીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમને બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સરળ લોન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગઈકાલે યોજાયેલા લોન મેળા દરમિયાન ત્રણ આસામીઓને મુદ્રા લોન યોજના અંતર્ગત 12 લાખની લોન આપવામાં આવી હતી. જેમના ચેક પણ તેઓને આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત નાના ઉદ્યોગો માટે પણ ત્રણ ઉદ્યોગકારોને 10.30 લાખની લોન સ્થળ ઉપર જ મંજૂર કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ જગ્યાએ યોજાયેલા કુલ 84 જેટલા લોન ધિરાણ કેમ્પમાં અત્યાર સુધીમાં જુદી-જુદી બેંકો અને ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા 97.50 લાખની લોન મંજૂર કરવામાં આવી છે. જે પૈકીની કેટલીક રકમ પ્રક્રિયા પૂર્ણ કરીને લોનધારકને ચૂકતે કરવામાં આવી છે. જામનગર પોલીસની આ કાર્યવાહીને લોકો આવકારી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular