કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામના વાડી વિસ્તારમાં રહેતા છગનભાઈ દામાભાઈ ડાભી નામના 48 વર્ષના યુવાન પોતાની વાડીમાંથી મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે માર્ગ પર રહેલા પીજીવીસીએલના વીજ પોલ પર રહેલો જીવંત વીજ વાયર છગનભાઈ ઉપર પડતા તેઓને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો.
આથી છગનભાઈના ભાઈ હીરાભાઈ ડાભીએ ઇમરજન્સી 108 ને જાણ કરી હતી. જેના અનુસંધાને કલ્યાણપુર 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. મુકેશભાઈ બાંભણિયા તથા પાયલોટ મનોજભાઈ ચેતરીયાએ તાકીદે ઘટના સ્થળે પહોંચી અને અહીં દર્દીની હાલત નાજુક જણાતા તેમને એમ્બ્યુલન્સમાં લઈ જઈને તાકીદની સારવાર આપી, ત્યાર બાદ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.