કાલાવડ ગામમાં આવેલા કાશ્મીરાપરામાં રહેતાં યુવકની વાગ્દતાની છેડતી કરી ઝઘડો કર્યા બાદ પોલીસ ફરિયાદનો ખાર રાખી ગામના જ શખ્સે યુવક ઉપર છરી વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, કાલાવડ ગામમાં કાશ્મીરપરામાં રહેતાં હિરેન મનસુખભાઈ કાનાણી (ઉ.વ.19) નામના શ્રમિક યુવકનું સગપણ ગામમાં જ થયું હતું અને યુવતીની ગામમાં જ રહેતાં અખ્તર યુસુફ સુમરા નામના શખ્સે છેડતી કરી હોવાથી હિરેન સાથે ઝઘડો થયો હતો. જેથી હિરેને અખ્તર વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તે બાબતનો ખાર રાખી અખ્તર સુમરાએ બુધવારે સાંજના સમયે હિરેન તેના મિત્ર સાથે બાઈક પર જતો હતો તે દરમિયાન કાશ્મીરપરા વિસ્તારમાં જ અખતરે હિરેનને છરીનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. બાદમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવી જાણના આધારે પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફે અખ્તર વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.