આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 13 થી 15 દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજરોજ જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના મેયર દ્વારા આ તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા તૈયાર કરાયેલ 75 મીટરનો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ભારતની આઝાદીના 75માં વર્ષમાં રાષ્ટ્ર નિર્માણની પ્રતિબધ્ધતા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનના ભાગરુપે જામનગર મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજરોજ સવારે લાખોટા તળાવ ગેઇટ નં. 1 ખાતેથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પૂર્વે સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાયો હતો. આ યાત્રા દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા તૈયાર કરાયેલ 75 મીટરનો તિરંગો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. દેશ ભક્તિ ગીતના સથવારે વિવિધ આકર્ષક ફલોટ આ યાત્રામાં જોડાયા હતાં.
લાખોટા તળાવ ગેઇટ નં. 1ખાતેથી આ યાત્રા પ્રસ્થાન થયા બાદ તળાવ ભાગ 2 પાસે શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પાસેથી પસાર થઇ સુમેર કલબ રોડ, રણજીતનગર મેઇન રોડ સહિતના રાજમાર્ગો પર પસાર થઇ લેઉવા પટેલ સમાજ, સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. જ્યાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં.
આ તિરંગા યાત્રામાં મેયર બીનાબેન કોઠારી, પૂર્વમંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કમિશનર વિજયકુમાર ખરાડી, કલેકટર ડો. સૌરભ પારઘી, એસ.પી. પ્રેમસુખ ડેલુ, ડે.મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન મનિષભાઇ કનખરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બામભણીયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, કોર્પોરેટરો ગોપાલભાઇ સોરઠીયા, દિવ્યેશભાઇ અકબરી, કેતનભાઇ નાખવા, ક્રિષ્નાબેન સોઢા, અરવિંદભાઇ સભાયા, કિશનભાઇ માડમ, પ્રિતીબેન ખેતિયા, જામ્યુકો સીટી ઇજનેર ભાવેશભાઇ જાની, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી તથા વસુબેન ત્રિવેદી ઉપરાંત રમેશભાઇ કંસારા સહિતના અગ્રણીઓ તેમજ જામનગરની સરકારી તથા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતાં.