જામનગર શહેર અને જિલ્લામાંથી દારૂની બદી ડામવા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત જામજોધપુર તાલુકાના જામસખપર ગામમાં આવેલા રહેણાંક મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન 1140 નંગ ઈંગ્લીશ દારૂના જંગી જથ્થા સાથે શખ્સને દબોચી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. ઠેક ઠેકાણે દરોડામાં દારૂનો મોટો જથ્થો કબ્જે કરવામાં આવે છે. આ દારૂનો જથ્થો દારૂ બંધી હોવા છતાં છેવાડાના મકાન સુધી કેવી રીતે પહોંચી જાય છે ? દરમિયાન પો.કો. મયુરસિંહ જાડેજા, નવલ આસાણી અને રવિન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ જામજોધપુરના પીઆઈ વાય.જે.વાઘેલા, પીએસઆઈ એમ.એલ. ઓડેદરા, હેકો રાજેશભાઈ કંડોરીયા, પો.કો. મયુરસિંહ જાડેજા, નવલભાઈ આસાણી, રવિન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, કૃણાલભાઈ હાલા, બ્રિજરાજસિંહ જાડેજા, વિમલભાઈ વૈરુ સહિતના સ્ટાફે જામજોધપુર તાલુકાના જામસખપર ગામમાં આવેલા ભાવેશ નારણ મોરીના રહેણાંક મકાને રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા. 5,70,000 ની કિંમતની 1140 ઈંગ્લીશ દારૂની બોટલો તેમજ પાંચ હજારની કિંમતનો મોબાઇલ ફોન સાથે પોરબંદરના ભુરા પાચા કરમટા નામના રબારી શખ્સને દબોચી લીધો હતો.
જામજોધપુર પોલીસે ભુરાની પુછપરછ હાથ ધરતા આ દારૂના જંગી જથ્થામાં રાજુ નારણ મોરી, સુરેશ નારણ મોરી અને ભાવેશ નારણ મોરી નામના ત્રણ ભાઈઓની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.