જામનગર શહેરની ભાગોળે લાલપુર બાયપાસ ચોકડી તેમજ સમર્પણ સર્કલ પાસે વારંવાર ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાતી રહે છે. જે સમસ્યા હવે દિન-પ્રતિદિન વિકરાળ બનતી જાય છે, અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જે બાબતે તંત્રની ઉદાસીનતાના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
જામનગરની લાલપુર બાયપાસ ચોકડી પર પ્રતિદિન ભારે ટ્રાફિકની અવરજવર રહે છે. જામનગર શહેરથી દરેડ વિસ્તારના ઉદ્યોગિક એકમોમાં અનેક કામદારો અને કારખાનેદારો વગેરે વહેલી સવારે કામ પર જાય છે, જ્યારે ખંભાળિયા ધોરી માર્ગ તરફ થી રાજકોટ તરફ જવા માટે અનેક નાના-મોટા વાહનોની પણ મોટા પ્રમાણમાં અવર જવર રહે છે, અને પુરતો ટ્રાફિક બંદોબસ્ત વગેરે ન હોવાના કારણે અહીં વારંવાર ટ્રાફીક જામની સમસ્યાઓ સર્જાતી રહે છે.
ઉપરોક્ત ‘જામ’ના સંદર્ભમાં ઉદ્યોગકારો-કામદારો વગેરેએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જરૂરી પગલાં ભરવામાં આવતા નથી અથવા તો દરકાર લેવામાં આવતી નથી. તેના કારણે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
લાલપુર બાયપાસ ચોકડી તેમજ સમર્પણ સર્કલ વિસ્તાર આવી સમસ્યા માથાના દુખાવા સમાન બની છે, અને વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાના કારણે અનેક લોકોને પોતાના કામ ધંધા માટે મોડા પહોંચવાનો વારો આવે છે. હાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે જુદા જુદા પરીક્ષા કેન્દ્રમાં પહોંચવા માટે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને મુશ્કેલીનો સામનો કરવા પડ્યો હતો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
લાલપુર બાયપાસ ચોકડી પાસે આજે સવારે વાહનોના થપ્પા લાગી ગયા હતા અને રોડની બન્ને તરફ બે કિલોમીટર જેટલા વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. એક તરફથી ગરમીનો પ્રકોપ અકળાવી રહ્યો છે, સાથોસાથ વાહનો થપ્પા લાગી ગયા હોવાથી લોકોને પોતાના નિર્ધારિત સ્થળે પહોંચવા માં ભારે મુશ્કેલી વેઠવી પડે છે.
આ મામલે તાત્કાલિક અસરથી યોગ્ય નિર્ણય લેવામાં આવે અને જરૂરી પૂરતો બંદોબસ્ત ગોઠવાય. તેમજ વહેલી તકે ફલાયઓવરનું નિર્માણ થાય તેવી પણ લોક માગણી ઉઠી છે.