Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદશેરાના શુભમુહૂર્તમાં 108 દિકરીઓનો સમૂહ લગ્નોત્સ્વ : VIDEO

દશેરાના શુભમુહૂર્તમાં 108 દિકરીઓનો સમૂહ લગ્નોત્સ્વ : VIDEO

શ્રી હરીદાસ જીવણદાસ લાલ(બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન : ઓશવાળ સેન્ટર ખાતે તળામાર તૈયારીઓનો આખરી ઓપ

- Advertisement -

જામનગર શહેરના આંગણે વિક્રમ સવંત 2078 ના વિજયા દશમી (દશેરા) નો પવિત્ર દિવસ એક અવિસ્મરણીય સામાજીક સેવાયજ્ઞ માટે સંભારણું બની રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લાલ પરિવારના પારિવારીક ટ્રસ્ટ શ્રી હરીદાસ જીવાદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજીત કરાયેલા સમૂહ લગ્નોત્સ્વમાં 108 નવયુગલો આ દિવસે પ્રભુતામાં પગલા માંડશે. આ સમૂહ લગ્નોત્સવની તૈયારીઓને ઓશવાળ સેન્ટર ખાતે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

- Advertisement -

જામનગર જીલ્લામાં કોઈ એક જ પારિવારીક સંસ્થા દ્વારા આયોજીત કરાયેલો આ પ્રકારનો સર્વપ્રથમ સમૂહ લગ્નોત્સવ છે. આ અંગે વિગતો આપવા લગ્ન સ્થળ પર યોજાયેલી પત્રકાર પરિષદમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ સાથે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમારા પૂ.માતુથી મંજુલાબેન હરિદાસ (બાબુભાઈ) લાલના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં અમારા ટ્રસ્ટ દ્વારા વિજયા દશમીના શુભ દિને તા.05-10-2022 ના રોજ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં 108 નવયુગલો લગ્નગ્રંથીથી જોડાશે. તદઉપરાંત આગામી વર્ષથી અમારા પૂ.માતા મંજુલાબેનની જેટલી ઉંમર થશે તેટલા સમૂહ લગ્નો પ્રતિ વર્ષ કરવામાં આવશે તેવી પણ જાણકારી આપવામાં આવી હતી.

- Advertisement -

શહેરના ઓશવાળ સેન્ટરની વિશાળ જગ્યા પર દશેરાના દિવસે આગામી બુધવાર તા.5 ઓકટોબરના રોજ યોજાયેલા આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલી તમામ 108 દિકરીઓને કરીયાવરમાં મંગળસૂત્ર સહિતના આભુષણો, પાનેતર સહિત કપડાની જોડીઓ, ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ વિગેરે મળી કુલ 66 વસ્તુઓ આપવામાં આવી રહી છે. તેમજ દરેક વરરાજાને સફારી શુટનું કાપડ, ક્ધયાના સસરાને શાલ તેમજ સાસુને સાડી અને લુણગોરીને લેડીઝ પર્સ ખુશી ભેટરૂપે પણ આપવામાં આવશે.

આપણા સમાજમાં સામાજીક કુરિવાજોને તિલાંજલી અર્પવાના પ્રયાસરૂપે યોજાતા આવા સમૂહ લગ્નના કાર્યક્રમો સામાજીક સમરસતા માટે પણ અનોખો પ્રયાસ બની રહી છે. લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા દશેરાના દિવસે જે 108 યુગલો લગ્નના પવિત્ર બંધનથી બંધાવા જઈ રહયા છે તેમાં જામનગર શહેરના 74, જામનગર તાલુકાના 10, જામનગર જીલ્લાના અન્ય તાલુકાઓના 12 તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લાના 12 યુગલોનો સમાવેશ થાય છે.

- Advertisement -

દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના આપેલા સૂત્રના પગલે ચાલી રહેલા અભિયાનને વધુ વેગ મળે તે માટે પણ આયોજકોએ એક સુંદર પ્રયાસ આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવના માધ્યમથી કર્યો છે. આ સમૂહ લગ્નમાં જોડાયેલા 108 નવયુગલો પૈકી જેટલા યુગલોને પ્રથમ સંતાન સ્વરૂપે દિકરી અવતરશે એ યુગલને રૂા.પાંચ હજારની સહાય પણ લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વિજયા દશમીના રોજ લગ્નના દિવસે સવારે 8 વાગ્યે જાનનું સામૈયું, વરરાજાના વિશેષ વરધોડા સાથે થશે. આ વરધોડો ઓશવાળ સેન્ટરથી ખોડીયાર કોલોની મેઈન રોડ પર બેન્ડવાજા સાથે નીકળશે અને દિગ્જામ સર્કલ પાસેથી પરત ઓશવાળ સેન્ટર ખાતે ઉભા કરાયેલા માતુશ્રી મંજુલાબેન લાલ લગ્નોત્સવ ધામ ખાતે પહોંચશે. આ વરધોડા દરમ્યાન ભવ્ય આતશબાજી પણ થશે.

લગ્નોત્સવમાં જોડાયેલી દીકરીઓ પૈકી જેમને પણ નવવધુના શણગાર સજવા માટે બ્યુટીશીયનની જરૂરિયાત તેમજ જે વરપક્ષને જાનના ઉતારા માટે જગ્યાની જરૂરીયાત હતી તે વ્યવસ્થા પણ આયોજકોએ પુરી પાડી છે. આ રીતે બન્ને પક્ષની જરૂરીયાતો ચીવટ સાથે પુરી કરવા પ્રયાસ કરવામાં આવ્યા છે. આ લગ્ન સમારંભમાં વરપક્ષ અને ક્ધયા પક્ષના 35-35 વ્યકિતઓ સહિત એક લગ્નના 70 વ્યકિતઓના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

હાલાર સર્વજ્ઞાતિય 108 સમૂહ લગ્નોત્સવમાં મંગલ પરિણયથી જોડાનારા નવયુગલોને આર્શિવાદ આપવા માટે ધર્માચાર્યો, રાજયના મંત્રીઓ, રાજકિય નેતાઓ તેમજ સ્થાનિક રાજકિય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, સામાજીક આગેવાનો અને શહેરના શ્રેષ્ઠીઓ, પ્રિન્ટ મીડીયા, ઈલેકટ્રોનીક મીડીયાના અગ્રણીઓ વિગેરે લગ્નવિધિ સંપન્ન થયે યોજાયેલા આર્શિવાદ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલા નવયુગલોને સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા તેમજ દરેકના લગ્નની નિયમોનુસારની નોંધણી કરાવવા માટેની વ્યવસ્થા પણ લાલ પરિવારના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
આ લગ્નોત્સવની તમામ વ્યવસ્થા જાળવવા માટે લગભગ 1500 જેટલા શુભેચ્છક મિત્રો, કાર્યકરો અને સ્વયંસેવકોની વિશાળ ટીમ જુદી-જુદી સમિતિઓના માધ્યમથી અલગ અલગ વ્યવસ્થા માટે કામે લાગી ગઈ છે અને તમામના સહકારથી આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ ઉત્સાહ – ઉમંગ સાથે સફળ રીતે ઉજવાશે તેવો વિશ્વાસ આયોજકોએ વ્યકત કર્યો હતો.
આ પત્રકાર પરિષદમાં એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશોક્ભાઈ લાલ તેમજ ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, મીતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલ તથા ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ કિરીટ મહેતા અને પ્રવિણ ચોટાઇ ઉપસ્થિત રહયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular