મીડઈસ્ટ (મધ્ય-પૂર્વ)ના દેશોમાં આવેલા રેતીલા તોફાનથી હાહાકાર મચી ગયો છે. તોફાનની અસરને કારણે હજારો લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. તોફાને મધ્ય-પૂર્વના લગભગ તમામ દેશોના જનજીવનને ખોરવી નાખ્યું છે. દરેક દેશના એરપોર્ટ, સ્કૂલ-કોલેજો, ઑફિસોને બંધ કરી દેવામાં આવ્યો છે. એપ્રિલ બાદ આ પ્રકારનું આઠમું તોફાન આવ્યું છે. આ મહિનાની શરૂઆતમાં પણ આવેલા તોફાનને કારણે એક વ્યક્તિ મોતને ભેટી હતી તો હજારો લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

આ તોફાન એટલું જબરદસ્ત હતું કે તેણે ઈરાકની રાજધાની બગદાદને નારંગી કલરની ચમકથી ઢાંકી દીધું હતું. આ તોફાનની અસર દક્ષિણ ઈરાકના નજફ અને ઉત્તરી કુર્દ સ્વાયત્ત ક્ષેત્રમાં સુલેમાનિયાહ સહિત અનેક શહેરોમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત સાવધાનીના ભાગરૂપે મધ્ય-પૂર્વના તમામ દેશોએ સ્કૂલ-કોલેજો તેમજ ઑફિસને બંધ કરી દીધી છે.
તોફાનની તીવ્રતાને કારણે હવાઈ સેવાને માઠી અસર પહોંચતાં આ દેશોમાંથી ઉડાન ભરતી તમામ ફ્લાઈટોને રદ્દ કરવામાં આવતાં હજારો મુસાફરો રઝળી પડ્યા છે. આ તોફાનની અસર ઈરાક ઉપરાંત સાઉદી અરેબિયા, ઈરાન, કુવેત, પૂર્વ સીરિયા સહિતના દેશોમાં જોવા મળી રહી છે. આ પ્રકારના તોફાન પાછળ જળવાયુ પરિવર્તન મુખ્ય કારણ હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.