Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જન્માષ્ટમીએ યોજાશે ભવ્ય શોભાયાત્રા

જામનગરમાં જન્માષ્ટમીએ યોજાશે ભવ્ય શોભાયાત્રા

ખીજડા મંદિરથી થશે પ્રારંભ : ઠેર-ઠેર મટકીફોડ-સ્વાગતના કાર્યક્રમ યોજાશે

- Advertisement -

છોટીકાશી ગણાતા જામનગરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સૌ કોઈ અધીરા બન્યા છે અને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 17 વર્ષથી નીકળતી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પ્રતિવર્ષની માફક આ 18માં વર્ષે વિશિષ્ટ આયોજન સાથે નીકળવાની છે. તે પૂર્વે ખીજડા મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા બેઠકો અને શોભાયાત્રા સંકલન સંમેલન યોજાઇ ગયા. જેમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ભાઈઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 25 જેટલા ફ્લોટ્સો સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર છે અને ઠેર-ઠેર હવાઈ ચોકથી લઇ સમગ્ર રૂટ દરમિયાન મટકી ફોડ અને સ્વાગતના પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

- Advertisement -

જામનગરમાં છેલ્લા દોઢ મહિનાથી જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા માટે તમામ સંસ્થાઓ અને અગ્રણીઓ સાથે ભારે ઉત્સાહથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. જન્માષ્ટમીની ઘડીયો ગણાય રહી છે ત્યારે શ્રીકૃષ્ણના જન્મના વધામણા કરવા માટે સાર્વજનિક શોભાયાત્રા ના સુચારુ આયોજન માટે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે આચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં અનેક બેઠકો તેમજ જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન મળ્યું હતું. જ્યાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ પોતાની કૃતિ અંગે માહિતી આપી હતી તેમજ મટકીફોડના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી.

જામનગરમાં નીકળી રહેલી 18મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા અનુસંધાને પૂજ્ય કૃષ્ણમણિજી મહારાજે ભક્તિ સાથે સ્વયંભૂ કૃષ્ણમયી બની ભાવપૂર્વક આ શોભાયાત્રામાં લોકોને જોડાવા આહવાન કર્યું છે. અને સમયસર લોકોએ પણ શોભાયાત્રા પ્રારંભે જોડાઈ અને સમયનો પણ ખાસ ધ્યાન રાખવા ભાર મૂક્યો હતો. જામનગર શહેરમાં 18માં વર્ષે નીકળી રહેલી શોભાયાત્રા ને લઈને 17થી વધુ જગ્યાઓએ જાહેર સ્થળો ઉપર શ્રી કૃષ્ણ જનમાષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા માટે ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનો-અગ્રણીઓના આહવાન કરતા બેનરો લાગ્યા છે આ ઉપરાંત ગાગીયા એન્ડ સન્સના ભાવેશભાઈ ગાગીયા (બાદશાહ ભાઈ) ના સહયોગથી 10,000 થી વધુ સ્ટીકરો પણ સૌ પ્રથમ વખત લગાવી બહોળો પ્રચાર પ્રસાર પણ થયો છે. જેને લઇને ખુશી વ્યક્ત કરી સૌ દાતા અને સૌજન્ય આપનાર લોકોને પણ ધન્યવાદ આપી સાધુવાદ પાઠવ્યા હતા.

- Advertisement -

જામનગરમાં સતત 17 વર્ષથી નીકળી રહેલી શોભાયાત્રા આ વર્ષે 18માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે જેના માટે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કોર સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરીયા, ભરતભાઈ ડાંગરિયા, ભીમશીભાઇ પિઠીયા, કિશનભાઇ વસરા સહિતના અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા સંકલન કરી આ વર્ષે નીકળનારી શોભાયાત્રા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. અને નક્કી થયા મુજબ આગામી 26 ઓગસ્ટ, 2024ના સોમવારે સવારે 8:30 કલાકે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના અવસરે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રાના ખાસ તૈયાર કરાયેલા મુખ્ય રથમાં ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાની શાસ્ત્રોત વિધિથી ઉપસ્થિત સંતો મહંતો અને અગ્રણીઓ દ્વારા પૂજા અર્ચના કરાવી પ્રસ્થાન કરવામાં આવશે. અને ખીજડા મંદિરથી શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન થયા બાદ હવાઈ ચોકમાં ધર્મ ધજા લહેરાવી મટકી ફોડ બાદ આ શોભાયાત્રા 25 જેટલા વિવિધ ધાર્મિક ફ્લોટસ સાથે જામનગરના રાજમાર્ગો પર પ્રસ્થાન કરશે.

જામનગરમાં નીકળી રહેલી 18મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી 5 નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી- વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ- નાઘેડી, વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ, ઓમ યુવક મંડળ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી, યોગેશ્ર્વર મહિલા મંડળ-ગાંધીનગર, શ્રી માઁ દર્શન ગૌશાળા, આહીર સમાજ, ઋષિરાજ એન્ટરપ્રાઇઝ (પ્રદીપસિંહ વાળા) સહિતની સંસ્થાઓ પ્રતિનિધિઓ દ્વારા પોતાના ધાર્મિક ફ્લોટસો સાથે શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે.

- Advertisement -

આ શોભાયાત્રા પૂર્વે ખાસ વધુ પ્રચાર થાય તે માટે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યો છે જેમાં અલગ અલગ બે સાઈઝમાં ફોટા સાથેના સેલ્ફી બનાવવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે તે પૂર્વે સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા બાદ હવાઈ ચોક પહોંચશે જ્યાં ધર્મ ધજા લહેરાવશે અને હવાઈ ચોક મિત્ર મંડળના મનીષભાઈ કનખરા અને તેની ટીમ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ કરવામાં આવશે. ત્યાંથી ચાકડા મંદિર પિપળેશ્ર્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કરાશે, ત્યાંથી સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા મટકી ફોડ કરાશે. ત્યાંથી બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં સિંધી વેપારી મંડળના કમલેશભાઈ, ભોલાભાઈ અને સિંધી વેપારી એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાશે તેમજ મટકીફોડ અને પ્રસાદ વિતરણ નો કાર્યક્રમ યોજાશે. ત્યાંથી ચાંદી બજારમાં જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પ્રસાદ વિતરણ તેમજ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે જ્યાં રાસ ગરબા પણ કરવામાં આવનાર છે. ત્યાંથી ગણેશ ફળી- પ્રાણનાથ મેડી મંદિર પાસે સાર્વજનિક શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. જ્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ વિસ્તારમાં પહોંચશે જ્યાં પણ મટકી ફોડ કરાશે.ત્યાંથી પંજાબ નેશનલ બેંક પાસે પુરબીયા રાજપુત સમાજ દ્વારા મટકી ફોડ, પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી વેસ્ટ ઇન્ડિયા, ખાદી ભંડાર પાસે

યુવા બ્રહ્મ અગ્રણી દેવેનભાઈ જોશી અને તેની ટીમ દ્વારા મટકી ફોડ તેમજ શોભાયાત્રા ના સ્વાગત પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે પૂ. શ્રી ગુરુ સુખરામદાસ મસંદ (રોહડીવાળા) મંદિર, સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવશે અને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી બેડી ગેઈટ વિસ્તારમાં શોભાયાત્રા પોતે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સંજીતભાઈ નાખવા, ઉત્સવભાઈ પંડ્યા અને તેની ટીમ દ્વારા આયોજિત મટકી ફોડ થશે. ત્યાંથી પંચેશ્વર ટાવર પાસે ગોપાલક યુવા સંગઠનના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કરવામાં આવશે. ત્યારબાદ ભંગાર બજાર તરફ જતા કંદોઈની વાડી પાસે, ગિરનારી પાન પાસે ઉમેશભાઈ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાનાર છે. આમ 11 થી વધુ જાહેર સ્થળો પર મટકી ફોડ અને સ્વાગતના કાર્યક્રમો યોજવાનું શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓના સંકલનથી નક્કી કરવામાં આવ્યું છે.

જામનગરમાં શ્રીકૃષ્ણ જન્મની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિરેથી નીકળી શહેરના નિર્ધારિત રૂટ કરાયેલા છે. તેવા વિવિધ રાજમાર્ગો પરથી ફરી હવાઈ ચોક શોભાયાત્રા સંપન્ન થશે. જ્યાં શોભાયાત્રામાં સંમેલિત ધર્મ પ્રેમીઓ રાસ ગરબા યોજી શ્રી કૃષ્ણ ભક્તિના રંગે રંગાશે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જ જામનગરમાં અનેરુ ભક્તિમય વાતાવરણ ઊભું થયું છે અને આ વર્ષે 18મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં સૌથી વધુ સૌથી વધુ ધાર્મિક 25 ફ્લોટ્સ ઉમેરાયા છે અને 11 થી વધુ મટકીફોડ, સ્વાગતના કાર્યક્રમો યોજાશે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ કોર કમિટીના કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈ પીઠીયા, કિશનભાઇ વસરા, હરીશભાઈ રાજપરા, મેહુલભાઈ લવા સહિતના અગ્રણીઓ દ્વારા ખબર ગુજરાતની મુલાકાત લઈ શોભાયાત્રા અંગેની માહિતી આપી હતી. આ તકે ખબર ગુજરાતના તંત્રી નિલેશભાઈ ઉદાણી તથા નિવાસી તંત્રી નેમિષ મહેતા ઉપસ્થિત રહ્યા હતાં.

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular