જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા જય અંબે મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવની અનોખી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીનો મુખ્ય આકર્ષણ ગણપતિદાદાને ધરાવવામાં આવેલ 15,551 લાડુનો મહાપ્રસાદ રહ્યો.
ગણેશજીને પ્રિય એવા લાડુ તૈયાર કરવા માટે મહિલાઓ, યુવકો અને બાળકો મળીને એક વિશાળ ટીમ ઊભી કરવામાં આવી. જેમાંથી 300 જેટલી મહિલાઓ, 100થી વધુ યુવાનો અને 50 જેટલા બાળકોએ સેવા આપી હતી.
લાડુ બનાવવા માટે વિશાળ પ્રમાણમાં સામગ્રીનો ઉપયોગ કરાયો હતો. તેમાં 500 કિલો ધઉનો લોટ, 250 કિલો ગોળ, 30 તેલના ડબ્બા, 10 ધીના ડબ્બા અને કાજુ-કિસમિસના 40 કિલો સહિતની સામગ્રી સામેલ હતી.
મંડળ દ્વારા તૈયાર કરાયેલા લાડુમાંથી આશરે 4 હજાર લાડુ અબોલ પશુઓને ખવડાવાશે, જ્યારે 15,551 લાડુનો પ્રસાદ ગણેશભક્તોને વિતરણ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા 21 વર્ષથી જય અંબે મિત્ર મંડળ દ્વારા આવી રીતે ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં વિસ્તારના મોટી સંખ્યામા લોકો શ્રદ્ધાભાવે જોડાઈને સેવા આપે છે. ગણેશ મહોત્સવને સમર્પિત આ વિશેષ આયોજન જામનગરમાં ભક્તિભાવ અને ઉત્સાહનું પ્રતિક બની રહ્યું છે.


