ખંભાળિયાની જાણીતી ધાર્મિક સંસ્થા ઇસ્કોન સત્સંગ કેન્દ્ર દ્વારા ગત સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇસ્કોન મંદિર તથા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્રના ઉપક્રમે ભગવાન જગન્નાથજીની સાતમી રથયાત્રાનું આયોજન કરાયું હતું. આ પૂર્વે ગઈકાલે સોમવારે બપોરે અત્રે બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે અન્નકૂટના અલભ્ય દર્શન યોજાયા હતા.
આ સાથે ગત સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના કરવામાં આવેલા આયોજનમાં સુંદર અને આકર્ષક રથ સાથેની આ રથયાત્રામાં ભગવાન જગન્નાથના હરે રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે અને રાધા કૃષ્ણના જયઘોષ સાથે આ રથયાત્રાનો પ્રારંભ થયો હતો. આ રથયાત્રા અત્રે બેઠક રોડ પાસે શ્રીજી સાનિધ્ય ખાતેથી શરૂ થઈ શારદા સિનેમા રોડ, જોધપુર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેઈટ, શ્રીજી શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડથી નગર ગેઈટ થઈને નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થઈ હતી. આ રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો અને ધર્મપ્રેમી નગરજનો જોડાયા હતા. આ રથયાત્રાનો લાભ લેવા ખંભાળિયા સાથે જામનગર, રાજકોટ, દ્વારકા વિગેરે સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ રથ ખેંચીને આસ્થા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના અંતમાં નવી લોહાણા મહાજન વાડી ખાતે સમુહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તોએ લીધો હતો. આ સમગ્ર આયોજન માટે કપિલ સોનૈયા (કપિલ કેશવદાસ પ્રભુજી), ગોપરાજ ગોપાલદાસ, વૈષ્ણવ સેવાદાસની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.