કાલાવડ તાલુકાના ફગાસ ગામની સીમમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના આદિવાસી પરિવારની ત્રણ વર્ષની બાળકીને ખેતરમાં રમતા રમતા કોઇ ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલ કાલાવડ તાલુકાના ફગાસ ગામની સીમમાં આવેલી મહાવીરસિંહ જાડેજાના ખેતરમાં મજૂરી કામ કરતા ડુગરીયાસિંઘ ગુલાબસિંઘ માવી નામના યુવાનની પુત્રી કલ્પનાબેન (ઉ.વ.03) નામની બાળકી રવિવારે સાંજના સમયે ખેતરમાં રમતી હતી તે દરમિયાન ડાબા પગના અંગુઠામાં કોઇ ઝેરી જનાવર કરડી જતાં બેશુધ્ધ થઈ ગઈ હતી. ત્યારબાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એ.જી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.