- Advertisement -
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દ્વારકા પોલીસ દ્વારા તિરંગા સાથે ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. બાદમાં દ્વારકા મંદિર ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવાયા હતા. જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડીવાયએસપી સમીર સારડા, પી.આઈ. પી.એ. પરમાર, નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, અગ્રણી ધનાભા જડિયા, ચંદુભાઈ બારાઈ સહિતના વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા.
આ ફ્લેગમાર્ચ દ્વારકા મંદિરના પૂર્વ દરવાજાથી શરૂ થઈ જોધાભા માણેક ચોક સુધી યોજાઈ હતી. જ્યાં ક્રાંતિવીર જોધાભા માણેકની પ્રતિમાને પોલીસ વડા નિતેશ પાંડેય, નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા વિગેરેએ ફુલહાર કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ત્યારબાદ જગત મંદિર ખાતે ફ્લેગમાર્ચની પુર્ણાહુતી કરવામાં આવી હતી. જ્યાં રાષ્ટ્રધ્વજને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ધરી, આશીર્વાદ મેળવીને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મળી મંદિર પર તિરંગા લહેરાવવામાં આવ્યા હતા.
- Advertisement -