ખંભાળિયા શહેરમાં યોગેશ્ર્વરનગર તરફ જતા માર્ગે આવેલી જુના કપડાની બલેચિયા બજારમાં ગતરાત્રિના સમયે આગ ભભુકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટર સ્ટાફે પાણીનો મારો ચલાવી, આગ પણ કાબુ મેળવ્યો હતો.
આ અંગેની વિગત મુજબ ખંભાળિયા શહેરમાં બસ સ્ટેન્ડની પાછળના ભાગે યોગેશ્વર તરફ જતા પુલ પાસે વર્ષોથી ભરાતી જુના કપડાની જૂની અને જાણીતી બલેચિયા બજારમાં ગઈકાલે રાત્રિના આશરે દસેક વાગ્યાના સમય એકાએક આગ લાગી હતી.
હજારોની સંખ્યામાં રાખવામાં આવેલા જુના કપડાના સ્ટોકમાં થોડીવારમાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જવાનોએ લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. આગ બુઝાવવા માટે આવેલા પ્રથમ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચતા આ ફાયર ફાઈટરનું પાછલું વ્હીલ ગટરમાં ફસાઈ જતા થોડો સમય કામગીરી વિલંબિત થઈ હતી. પરંતુ તાકીદે બીજા ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો. આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ રાત્રિના સમયે લાગેલી આ આગથી થોડો સમય દોડધામ મચી જવા પામી હતી.