ભાણવડ તાબેના રેટા કાલાવડ ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે એક વૃદ્ધને સામાન્ય બાબતે બેફામ માર મારતાં ગંભીર ઈજાઓઓ થવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણમાં મુખ્ય બે આરોપી બંધુઓને ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલતે ગુનેગાર ઠેરવી આજીવન કારાવાસની સજા તથા રૂપિયા 20,000 નો દંડ ફટકાર્યો છે.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકાના રેટા કાલાવડ ગામે રહેતા હેમરાજભાઈ મેસુરભાઈ લાડવા તથા તેમના પુત્ર પરેશ ગત તા. 17-05-2016 ના રોજ તેમની વાડીના શેઢા પાસે ખડ ખોદતા હતા ત્યારે તેમની વાડીની બાજુમાં રહેતા સગર અરજણ માલદે સરેણા, મારખી માલદે સરેણા, ડાયબેન અરજણ સરેણા તથા વનિતાબેન મારખીભાઈ સરેણા ઉપરાંત એક બાળ આરોપીએ સાથે મળી અને હેમરાજભાઈને ‘અહીં શેઢો કેમ ખોદો છો?’- તેમ કહીને બોલાચાલી તથા ગાળા-ગાળી કરી હતી. જે સંદર્ભે તેઓને ગાળો દેવાની ના કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને અરજણ માલદે દ્વારા લાકડીનો એક ઘા પરેશભાઈ હેમરાજભાઈને માથામાં તેમજ પગમાં ઘા ફટકાર્યા હતા. આ ઉપરાંત આરોપી મારખી માલદેએ લોખંડના પાઇપ વડે પરેશને માથામાં તેમજ હેમરાજભાઈને અરજણ દ્વારા પોતાની પાસેથી રહેલી લાકડી અને પાઇપ વડે માથામાં આડેધડ માર માર્યો હતો. આ ઉપરાંત અન્ય એક આરોપી દ્વારા ધારિયું દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી, આ તમામ આરોપીઓ ચાલ્યા ગયા હતા.
આ બઘડાટીમાં ગંભીર રીતે ઈજા પામેલા પરેશભાઈ તથા તેમના પિતા હેમરાજભાઈને માથાના ભાગે જીવલેણ ઈજાઓ હોવાથી ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ જામનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં હેમરાજભાઈને વધુ સારવારની જરૂર જણાતાં અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હેમરાજભાઈ મેસુરભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
આ સમગ્ર બનાવવા અંગે હેમરાજભાઈના પત્ની કાંતાબેન લાડવા દ્વારા આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ 307 મુજબની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને બાદમાં તેણીના પતિનું અવસાન થતાં મનુષ્યવધની કલમ 302 નો ઉમેરો કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર કેસ સંદર્ભે ચાર્જસીટ દાખલ થયા બાદ આ પ્રકરણમાં કુલ 35 સાહેદોને તપાસીને તેમના નિવેદનો તથા સાહેદો અને સારવાર કરનાર ડોક્ટરોની જુબાની, ફરિયાદી તથા ઈજા પામનાર સાહેદ પરેશભાઈની જુબાની સાથે અહીંના સરકારી વકીલ લાખાભાઈ ચાવડાની મુદ્દાસરની દલીલોને ધ્યાને લઇ ખંભાળિયાના એડિશનલ સેશન્સ જજ દ્વારા આરોપી અરજણ માલદે સરેણા અને મારખી માલદે સરેણાને હત્યાની કલમમાં આજીવન કેદની સજા તથા કલમ 307 ના ગુનામાં બંનેને 10 વર્ષની સખત કેદની સજા ઉપરાંત રૂા. 20,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.