ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે એક યુવતી દ્વારા પ્રેમ લગ્ન કરાયા બાદ અને અનુલક્ષીને યુવતીના સાસરીયા તથા પિયરીયાઓ વચ્ચે બઘડાટી બોલી જવા પામી હતી. આ પ્રકરણમાં સામસામે પક્ષે મહિલાઓ સહિત એક ડઝન સામે ગુનો નોંધાયો છે.
આ બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા સાહિલ ગફારભાઈ ભગાડ નામના યુવાને આજથી આશરે બે માસ પૂર્વે આ જ વિસ્તારમાં રહેતી ઝુબેદા નામની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ બાબતનો ખાર રાખી અને યુવતીના પિયર પક્ષના ઈરફાન ઉર્ફે ગટુડો ઈબ્રાહિમ સુંભણીયા, સલીમ ઇબ્રાહીમ સુંભણીયા, જુમા ઈબ્રાહીમ સુંભણીયા, ઈબ્રાહીમ જાકુબ સુંભણીયા, શખીનાબેન ઇબ્રાહીમ સુંભણીયા, અને શહેનાઝબેન સલીમ સુંભણીયા નામના છ વ્યક્તિઓએ તેમને બિભત્સ ગાળો કાઢી, ઝપાઝપી કરી હતી.
આટલું જ નહીં, પથ્થરના ઘા મારી ઇજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પ્રકરણમાં સાહેદ એવા યુવતીના સાસુ આઈશાબેન તેમજ ઝુબેદાબેન અને અકબરભાઈ સાથે પણ આરોપીઓએ ઝઘડો કર્યો હોવાની ધોરણસર ફરિયાદ યુવતીના જેઠ સબીરભાઈ ગફારભાઈ ભગાડએ સ્થાનિક પોલીસમાં નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે શખીનાબેન ઈબ્રાહીમભાઈ જાકુબભાઈ સુંભણીયાએ સબીર ગફારભાઈ ભગાડ, અકબર ગફારભાઈ, સાહિલ ગફારભાઈ, હાજરાબેન ઉર્ફે રાણી સબીરભાઈ ભગાડ, આયશાબેન ગફારભાઈ અને ઝુબેદાબેન સાહિલભાઈ ભગાડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી શખીનાબેનની પુત્રી ઝુબેદાબેનએ સાહિલ ગફારભાઈ ભગાડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પોતાના ડોક્યુમેન્ટ ઝુબેદાબેને તેણીના માતા શખીનાબેન પાસે માંગતા તેણીએ પોતાની પાસે ડોક્યુમેન્ટસ ન હોવાનું કહ્યું હતું. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ બિભત્સ ગાળો ભાંડી, લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત આરોપી હાજરાબેન ઉર્ફે રાણીબેન સબીરભાઈએ શખીનાબેનના મોઢા ઉપર મરચાની ભૂકી ફેંકી હતી.
આ પ્રકરણમાં અન્ય સાહેદો સાથે પણ આરોપીઓએ ઝઘડો કરી, ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ સંદર્ભે વાડીનાર મરીન પોલીસે પાંચ મહિલાઓ સહિત કુલ બાર સામે વિધિવત રીતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


