ધ્રોલ તાલુકાના લતીપર ગામના બે મહિલાઓ વચ્ચે બોલાચાલીમાં સમાધાન થયા બાદ એક મહિલાના પરિવારજનોએ યુવક ઉપર પાવડા અને પાવડાના હાથના ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ટોકીઝ વાળી શેરીમાં રહેતાં ખોડાભાઈ નામના યુવકની બહેન અને નાથા દેવા નામના શખ્સની બહેન વચ્ચે ફોન ઉપર વાતચીત બાદ બન્ને મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બન્ને વચ્ચે તે જ દિવસે સમાધાન પણ થઈ ગયું હતું. તેમ છતાં આ બાબતનો ખાર રાખી ગુરૂવારે સાંજના સમયે લતીપર થી નાગપુરપરા તરફ જવાના માર્ગ પર નાથા દેવા, લાખા વીસા, ઘેલા રાજા, લાલા ખોડા નામના ચાર શખ્સોએ ખોડાભાઈ બાબુભાઈ જુંજા નામના યુવકને આંતરીને અપશબ્દો બોલી પાવડાના હાથાના ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવમાં ઘવાયેલા ખોડાભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો એચ.બી. સોઢીયા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.