દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોટા ગામમાં રહેતાં પ્રૌઢ સહિતનાઓ સાથે જામનગરના બે શખ્સોએ પવનચકકી અને રેલવેમાં ગાડી રખાવી દેવાની લાલચ આપી સ્વીફટ કાર લેવડાવી અને અન્ય સ્થળે ગીરવે મૂકી યુવાન સાથે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કોટા ગામમાં રહેતાં અને ખેતીકામ કરતા આદમભાઈ ખીરા (ઉ.વ.52) નામના પ્રૌઢને જામનગરમાં વામ્બે આવાસ સામે રહેતાં રામ વેરશી કારિયા અને અશોક ઉર્ફે નોંધા કારિયા નામના બે શખ્સોએ વિશ્ર્વાસમાં લઇ અને પવનચકકી તેમજ રેલવેમાં ગાડી ભાડે રખાવી દેવાની લાલચ આપી પ્રૌઢ પાસે રહેલી જીજે-10-સીજી-3535 નંબરની રૂા.4 લાખની કિંમતની સ્વીફટ કાર બન્ને શખ્સોએ વેંચી નાખી અથવા તો ગીરવે મૂકી દીધી હતી. કાર ભાડે રાખવા આપ્યા બાદ આ બન્ને શખ્સો દ્વારા કોઇ જવાબ આપવામાં ન આવતા આખરે પ્રૌઢ ખેડૂતને છેતરપિંડી થયાનું જણાતા તેણે બન્ને શખ્સો વિરૂધ્ધ સિટી સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે ગુનો નોંધી બન્ને શખ્સોની શોધખોળ આરંભી હતી.