જામનગરના ગોકુલનગર વિસ્તારમાં એક શખ્સ તેના મકાનની ઓરડીમાં પશુઓને લગાવવા માટેના પ્રતિબંધિત ઇન્જેક્શન બનાવ ફેક્ટરીના સ્થળે એસઓજીની ટીમે રેઈડ દરમિયાન 15436 નંગ ઈન્જેકશનો અને કેમિકલના મોટા 48 પાઉંચ તથા એસિડના 11 કેરબા સહિત રૂા.6.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના ગોકુલનગર સાયોના શેરીમાં રહેતા ભીમશી મારખી ગોજીયા નામનો શખ્સ તેના મકાનની ઓરડીમાં પ્રતિબંધીત એવા પશુઓને લગાવવાના ઇન્જેક્શન બનાવતો હોવાની એસઓજીના અરજણ કોડિયાતર, હિતેશ ચાવડા અને ચંદ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ આર.વી. વીંછી તથા સ્ટાફે શુક્રવારે ગોકુલનગર વિસ્તારમાં રેઈડ દરમિયાન ભીમશી ગોજિયાના મકાનમાંથી પશુઓ વધુ દુધ આપે તે માટે સફેદ પ્રવાહીમાં કેમીકલના ઈન્જેકશનનો ઉપયોગ કરાય છે અને આ ઈન્જેકશન પશુની તંદુરસ્તી માટે નુકસાનકારક હોય જેનું ગેરકાયદેસર ઉત્પાદન કરી વેચાણ કરતા સ્થળેથી પોલીસે રૂા.1,59,160 ની કિંમતના 15436 નંગ ઈન્જેકશનો (પ્લાસ્ટિકની બોટલો) તથા ઈન્જેકશન બનાવવા માટેના કેમિકલના રૂા.2,75,000 ની કિંમતના 48 નંગ મોટા પાઉંચ તેમજ 11 નંગ એસિડના કેરબા અને એક મોબાઇલ સહિત કુલ રૂા.6,24,060 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ભીમશી ગોજિયાની ધરપકડ કરી હતી.
એસઓજીની ટીમે રેઈડ દરમિયાન ભીમશી ગોજિયાની અટકાયત કરી રૂા.6.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ઈન્જેકશન બનાવવામાં રામ દેસુર ગોજિયાની સંડોવણી હોવાની કેફિયત આપી હતી. જેના આધારે એસઓજીએ સિટી સી ડીવીઝનમાં બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાવી મુદ્દામાલ અને શખ્સને સોંપી આપ્યો હતો. પોલીસે નાશી ગયેલા રામ ગોજિયાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.