દ્વારકાના દરિયામાં સિધેશ્વરી નામની બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. આ બોટની અંદર રહેલ માછીમાર મનુ આલા મકવાણા નામના 50 વર્ષના માછીમારનો પગ માછીમાર ઝાળ દરિયામાં ફેકતા, સમયે ઝાળની સાથે બાંધવામાં આવેલા લોખંડના વાયરમાં આવી જતા લગભગ પગ તૂટી જવા પામ્યો હતો. જેના કારણે તેમને અસહ્ય પીડા ઉપડતા ભારતીય કોસ્ટકાર્ડનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
આ અંગે સુચના મળતાં ભારતીય કોસ્ટ ગાર્ડ એક્શનમાં આવ્યું હતું અને આઈ.સી.જી. એર એન્કલેવ પોરબંદરથી આઈ.સી.જી. એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર દ્વારા ઘટના સ્થળે પહોંચીને દર્દીને હેલિકોપ્ટરમાં લાવવામાં આવ્યો હતો. અને આઈ.સી.જી. ડીસ્ટ્રીક્ટ હેડ ક્વાર્ટર 15 ઓખા ખાતે લઈ ગયા બાદ પ્રાથમિક સારવાર આપવામાં આપવામાં આવી હતી. હેડ ક્વાર્ટર ખાતે આઈસીજી મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો.
આમ, ભારતીય કોસ્ટ ગાર્ડ સેવા ફરી એક વખત માછીમારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. કારણકે ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સમયસુચકતા વાપરીને જો આ માછીમારને સમયસર હોસ્પિટલે ખસેડવામાં ન આવ્યો હોત તો માછીમારનું મૃત્યુ નિશ્ચિત હતું તેમ પણ કહેવાય છે.