છત્તીસગઢ સરકારે સુરગુજા જિલ્લામાં યોજાયેલા સરકાર સંચાલિત સ્ટરિલાઇઝેશન કેમ્પમાં થયેલી અનિયમિતતાઓની તપાસનો આદેશ આપ્યો છે. તેમા સર્જને સાત કલાકમાં 101 મહિલાઓની નસબંધી કરી હોવાનું પ્રકાશમાં આવતા સરકાર હરકતમાં આવી ગઈ છે.
આ નસબંધી કેમ્પ રાજધાની રાયપુરથી 300 કિ.મી. દૂર જિલ્લાના મણિપત ડેવલપમેન્ટ બ્લોકમાં કમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે 27 ઓગસ્ટના રોજ યોજાયો હતો. સ્થાનિક અખબારોએ આ કેમ્પમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેના પગલે વિભાગ હરકતમાં આવ્યું હતું અને તેણે સર્જન અને સ્થાનિક આરોગ્ય અધિકારીને નોટિસ પાઠવી હતી.
નસબંધી કેમ્પ અંગે ફરિયાદો મળ્યા પછી તપાસ શરૃ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ તપાસના આધારે બીજા પગલાં લેવાશે, એમ રાજ્યના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના મુખ્ય સચિવ ડો. આલોક શુક્લએ જણાવ્યું હતું.
ડો. શુક્લએ જણાવ્યું હતું કે કેમ્પમાં સરકારી સર્જન દ્વારા કુલ 101 સર્જરી કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાંથી પસાર થનારી બધી મહિલાઓની શારીરિક સ્થિતિ સામાન્ય છે. સરકારી માર્ગદર્શિકા મુજબ સર્જન દિવસમાં મહત્તમ આ પ્રકારની 30 સર્જરી જ કરી શકે છે, આના પગલે શા માટે માર્ગદર્શિકાઓનો ભંગ કરવામાં આવ્યો તેની પાછળના કારણો શોધવા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
સર્જને દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં મહિલાઓ નસબંધી માટે આવી હતી અને નસબંધી માટે વિનંતી કરી હતી. આ મહિલાઓ અંતરિયાળ વિસ્તારમાંથી આવી હતી અને તે વારંવાર આવી શકે તેમ ન હતી તેથી તેની સર્જરી કરવામાં આવી હતી.
અગાઉ સુરગુજાના ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર (સીએચએમઓ) પીએસ સિસોદિયાએ 29મી ઓગસ્ટે સર્જિકલ સ્પેશ્યાલિસ્ટ ડો. જિબનુસ એક્કાને કારણદર્શક નોટિસ પાઠવી હતી. આ ઉપરાંત બ્લોક મેડિકલ ઓફિસર (બીએમઓ)ને ડો. આર.એસ. સિંઘને પણ નોટિસ પાઠવવામાં આવી હહતી. ચીફ મેડિકલ અને હેલ્થ ઓફિસરે આ ઘટનાની તપાસ કરવા ત્રણ સભ્યોની સમિતિ રચી છે.