શરદ પૂર્ણિમા પૂર્વે ખંભાળિયામાં આજથી જાણે શીત ઋતુના પગરવ જોવા મળી રહ્યા હોય, તેમ આજે સવારથી ખંભાળિયામાં ઝાકળ ભર્યો માહોલ છવાયો હતો. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારથી ઝાંકળ ઉતરી આવી હતી. ગાઢ ધુમ્મસના કારણે સર્વત્ર પાણીની આછી ચાદર છવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
ઝાંકળના પગલે આજે સવારે મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા અને વાતાવરણમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. આજે સવારથી ગાઢ ધુમ્મસના લીધે ખાસ કરીને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે બપોર બાદ ગરમીનો પણ અનુભવ થયો હતો.