જામનગર શહેર અને જિલ્લામાં નવજાત શિશુને તરછોડી દેવાની ઘટનાઓ વધુ ગંભીર રીતે બનતી જાય છે. એક પછી એક નવજાતને તરછોડવાની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યારે જામનગર તાલુકાના દરેડ ગામમાં આલ્ફા સ્કૂલની પાછળના ધાર વિસ્તારમાંથી નવજાત મૃત ભૃણ મળી આવતા પોલીસે તપાસ આરંભી શ્રમિક મહિલાને શોધી કાઢી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી આલ્ફા સ્કૂલ પાછળના ધાર વિસ્તારમાંથી રવિવારે સવારના સમયે કચરાના ઢગલા પાસેથી મૃત ભૃણ મળી આવ્યાની અલતાફભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કરાયેલી જાણના આધારે 108 ની ટીમ પણ આવી ગઈ હતી. સ્થળ પરથી મળી આવેલું મૃતક ભૃણ પાંચ માસનું હોવાનું ખૂલ્યું હતું. જેના આધારે પોલીસે ભૃણ તરછોડનાર મહિલાની શોધખોળ હાથ ધરતા શ્રમિક મહિલાનું ભૃણ હોવાની ઓળખ થઈ હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દુ:ખદ બાબત એ છે કે જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડાંક સમયથી નવજાત શીશુને તરછોડી દેવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે. એક પછી એક ઘટનાઓ બનતી જાય છે. ખાસ કરીને છેલ્લાં એક માસથી ત્રણ થી વધુ ઘટનાઓ બની ગઇ છે. પોલીસે મહિલાની શોધખોળ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરેડમાંથી મૃત ભૃણ મળી આવતા અરેરાટી
પોલીસે પાંચ માસના મૃત ભૃણની માતાને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી : શહેર-જિલ્લામાં નવજાત શીશુને તરછોડવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો