જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તારમાં એક જર્જરીત મકાનનો જોખમી ભાગ જામ્યુકોના એસ્ટેટ વિભાગ દ્વારા દુર કરવામાં આવ્યો છે.
સેન્ટ્રલ બેંક પાસે આવેલી મઠ ફળીમાં ચત્રભુજ લાધાભાઇ જોષીનું ઘણા સમયથી બંધ રહેલુઁ ત્રણ માળનું મકાન અત્યંત જર્જરીત અને જોખમી બની જતાં આસપાસના રહેવાસીઓએ આ અંગે કમિશનર અને ટાઉન પ્લાનિંગ અધિકારીને રજૂઆત કરી હતી. જેના અનુસંધાને એસ્ટેટ વિભાગે આજે સવારે અહીં પહોંચી જઇને ઇમારતનો જોખમી ભાગ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. મકાનના માલિક ઘણા લાંબા સમયથી બહારગામ રહેતા હોય સ્થાનિક તંત્ર દ્વારા તેમનો સંપર્ક કરી શકાયો ન હતો. કોઇ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા મકાનને તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.