ગુજરાતમાં નાના મોટા ડેમોની વર્તમાન સ્થિતિની ચકાસણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના આદેશને પગલે ગુજરાત ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશને ડેમોની ચકાસણી કરીને સરકારને એક અહેવાલ સુપરત કર્યો છે. ગુજરાત વિધાનસભામાં ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના અહેવાલને રજૂ કરાયો છે જેમાં એવી ડેમો માટે ઇમરજન્સી પ્લાન ઘડવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકાર હવે ડેમોની સારસંભાળને લઇને અલાયદુ ડેમ સેફ્ટી યુનિટની પણ રચના કરવા જઇ રહી છે.
વર્ષ 2021માં ડેમ સેફ્ટી એક્ટ અમલી બન્યા બાદ ગુજરાત સરકારે પણ સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની રચના કરી છે. અત્યાર સુધી જૂની પધ્ધતિથી ડેમોની ચકાસણી કરવામાં આવતી હતી પણ હવે ડેમ સેફટી એક્ટ આધારે ડેમોની તલસ્પર્શી રીતે બારાકાઇથી ચકાસણી કરવામાં આવી રહી છે.આ ડેમ સેફટી ઓર્ગેનાઇઝેશનને વર્ષ 2022-23માં કુલ મળીને 53 ડેમોની ચકાસણી કરી હતી. આ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનના મતે, હાલ એકેય ડેમ મોટી મરામતની જરૂર નથી. કોઇ મોટી ખામી જણાતી નથી.
મોટાભાગના ડેમોમાં નાના ઉપચારાત્મક પગલાં લેવાની જરૂર છે. આ બધાય ડેમોને સ્પેસિફાઇડ ડેમ તરીકે ત્રીજી કેટેગરીમાં મૂકાયા છે.
રાજયમાં હાલ કુલ મળીને 530 ડેમો આવેલા છે. કેન્દ્રના આદેશને પગલે ગુજરાત સરકારે પણ ડેમોની જાળવણીને લઇને સક્રિયતા દાખવી છે. ડેમોની સારસંભાળને લઇને સક્ષમ એેન્જિનિયરોનો સમાવેશ કરીને સરકારે અલાયદુ ડેમ સેફ્ટી યુનિટ તૈયાર કરવાની દિશામાં તૈયારીઓ કરી છે. આ ઉપરાંત સ્ટેટ ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશને રિપોર્ટમાં એવી ય ભલામણ કરી છેકે, સીડબલ્યુસીની માર્ગદર્શિકા અનુસાર ઇમરજન્સી એક્શન પ્લાન પણ ઘડવો જોઇએ.
નોંધનીય છે કે, ગુજરાતમાં 30 ડેમો એવા છે જે 100 વર્ષ કરતાંય જુના પુરાણા છે જેમાં પિછાવી, કુવાવડા, આજવા, વેરી, પનેલિયા, અઢિયા, સાવલી, લિમલા, ધનોરા, ફકીરવાડી સહિત અન્ય ડેમોનો સમાવેશ થાય છે. હવે આ ડેમોની જાળવણી જરૂરી બની છે.
ચોમાસામાં આ જુનાપુરાણા ડેમો પાણીનો સંગ્રહ કરવા સક્ષમ છે કે કેમ તેની ચકાસણી કરવી જરૂરી છે.આ કારણોસર સરકાર હવે ડેમ સેફટી યુનિટની તૈયારીઓ આદરી છે. ગુજરાત સ્ટેટ ડેમ સેફ્ટિ ઓર્ગેનાઇઝેશનના 2022-23ના વાર્ષિક અહેવાલમાં દર્શાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસા પહેલાં હાલના જળાશયોની હાલત સારી છે.તમામ 530 ડેમોને ક્લિનચીટ અપાઇ છે. રિપોર્ટમાં ખાસ જણાવાયુ છેકે, ગુજરાતમાં એકેય ડેમ ખામીયુક્ત કે જોખમી નથી. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે એક વર્ષમાં ડેમને લઇને અકસ્માતની કોઇ ઘટના નોંધાઇ નથી. ગુજરાત સ્ટેટ ડેમ સેફ્ટિ ઓર્ગેનાઇઝેશને ડેમો માટે નાના ઉપચારાત્મક પગલાંની ભલામણ કરી છે.