અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનને લીધે રાજ્યમાં સંભવત: વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે તેની અસર અત્યારથી જ દરીયાકાઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. યાત્રાધામ દ્વારકામાં સમુદ્રના પાણીમાં કરન્ટ જોવા મળી રહયો છે અને હાલમાં અહીંના દરિયામાં આઠથી દસ ફૂટ જેટલાં ઊંચા મોજાં ઉછળી રહયા છે.
આ સાથે છેલ્લા બે દિવસથી ઓખા બંદર પર બે નંબરનું ભયસુચક સિગ્નલ લગાવી દેવાયું છે અને માચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ અપાઈ છે.
દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ચક્રાવાતમાં ફેરવાય તેવી સંભાવના વચ્ચે ગુજરાત પર આગામી દિવસોમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર – કચ્છના દરિયા કાંઠાના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્ર – કચ્છમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શકયતા ઉપરાંત દરીયાકાંઠે 50 થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શકયતાઓ જણાવાઈ રહી છે. હાલ દ્વારકાથી આશરે 1200 કિમી દૂર અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગતિ 40 કિમી પ્રતિ કલાકની છે. જે સંદર્ભે ડીપ ડિપ્રેશન સાઈકલોનીક સ્ટોર્મ એટલે કે ચક્રાવાતમાં ફેરવાઈ જશે. જો કે હવામાન ખાતા દ્વારા વાવાઝોડું કયાં ટકરાશે તે હજુ ચોકક્સ નથી. પરંતુ સંભવત: ઉત્તર દિશા તરફ જાય તેવી સંભાવના હોય, જો આમ થશે તો ભારે પવન સાથે વરસાદની સંભાવના સમગ્ર ગુજરાતમાં જણાવાઈ છે.
આગામી સમયમાં વાવાઝોડું રૂટ બદલે તેવી પણ સંભાવના હોય તંત્ર દ્વારા તૈયારીના ભાગ રૂપે એન.ડી.આર.એફ.ની ટીમોને એલર્ટ કરી દેવાઈ છે. માચ્છીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઈ છે અને સ્થાનીક અધિકારીગણને સતર્ક રહેવા કહેવાયું છે.
દ્વારકાના દરિયા સાથે જોડતી પવિત્ર ગોમતી નદી પણ બે કાંઠે વહી રહી છે. તેમાં પણ 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે દ્વારકામાં આવતા યાત્રિકો આવા ભયંકર મોજામાં મોજ માણવાનું ચૂકતા નથી. અને આના લીધે અકસ્માત સર્જાવવાનો પણ ભય વર્તાઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તા. 1 જૂનથી દરિયાની અંદર જવાની, શિવરાજપુર દરિયામાં નાહવાની મનાઈ ફરવાવમાં આવી છે. તેમ છતાં પણ લોકો દરિયાના પાણી સાથે રમવાનું ચૂકતા નથી. ગોમતી ઘાટ પર સુરક્ષા જવાનો જોવા મળ્યા નથી.