જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે સમગ્ર જિલ્લામાં આગામી તા. 4 ઓગસ્ટ સુધી કોઇપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકરી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અને જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ, એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવો- આવી તમામ પ્રવૃતિઓ પર મિતેષ પંડ્યા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, જામનગર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે છે.
જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135(1) મુજબ દંડની સજા, ઓછામાં ઓછાં 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થશે. જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીઓ, કર્મચારીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો જેઓ ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય, પોલીસ અધિક્ષક અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલ હોય અને કિરપાણ રાખેલ શીખને લાગુ પડશે નહિ.