જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવ્યાં હતા. આ દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખે કલેક્ટર કચેરીના પટાંગણમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. શહેર કોંગ્રેસ પ્રમુખે કારમાં ધસી આવીને કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આત્મવિલોપનનો પ્રયાસ કરીને વિરોધ પ્રદર્શન કરતા તેમની સામે પોલીસ કર્મચારીઓને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરવા તેમજ પોતાની સાથે પોલીસ કર્મચારીઓ ઉપર પણ જવલનશીલ પદાર્થ રેડી ખૂનની કોશિશ કરવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં વધતા જતા લ્મ્પી વાયરસ રોગ ને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઈકાલે જામનગરની મુલાકાતે આવ્યા હતા. અને કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી. આ દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા)એ લમ્પિ વાયરસના કારણે ગાયોના મૃત્યુ થઈ રહ્યા હોવાના મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોતાની ક્રેટા કાર લઈને જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારી રિતેશ કુબાવત તથા અન્ય પોલીસ કર્મચારીઓએ તેઓને રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ રોકાયા ન હતા અને પોતાની કાર હંકારી દીધી હતી અને પોલીસ કર્મચારીઓનો જીવ ભયમાં મુકાયો હતો.
ત્યારબાદ તેઓએ કારમાંથી ઉતરીને જવલનશીલ પદાર્થ કાઢી પોતાના પર રેડયો હતો. પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કરતા દિગુભાએ રિતેશ કુબાવત સહિતના અન્ય પોલીસ કર્મચારીઓ પર પણ જવલનશીલ પદાર્થ રેડી દીધું હતું. જેઓની કાર ચાલુ રહી હતી અને ચાલુ કારના કારણે ગમે ત્યારે આગ લાગી જાય અને તેના કારણે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓ સળગી જાય તેવી સ્થિતિ પેદા કરી હતી. આ કાર્યમાં પાર્થ પટેલ નામના એક અન્ય કાર્યકરે પણ તેને મદદ કરી હતી.
જે મામલે ગઈકાલે પોલીસ દ્વારા વીરેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી લેવામાં આવી હતી આ સમગ્ર મામલે પોલીસ ફરજ બજાવી રહેલા હેડ કોન્સ્ટેબલ રિતેશ કુબાવતે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાતે ફરિયાદી બની દિગુભા જાડેજા અને તેમને મદદ કરનાર સાથીદાર પાર્થ પટેલ સામે આઈપીસી કલમ 307, 335, 186 અને 114 મુજબ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે સીટી બી-ડિવિઝનમાં પીઆઇ કે. જે. ભોયે તપાસ ચલાવી રહ્યા છે.