જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં દંપતી પાસેથી રાક્ષસી વ્યાજની રકમ વસૂલ્યા ઉપરાંત તેમનો મકાન તથા લોટ દળવાની મીલ તથા એક સ્કુટર અને બે મોટરકાર સહિતની મિલકત વ્યાજખોરોએ પચાવી પાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતાં હેતલબેન મહેશભાઈ ભાનુશાળી નામના મહિલાએ પોતાની પાસે તેમજ તેમના પતિ દિનેશભાઈ પાસેથી 10 થી 20 ટકા જેટલી વ્યાજની રકમ પડાવી લેવા અંગે નિન્દ્રેશ ગાગલિયા, બનેસિંહ જાડેજા તથા સુખુભા જાડેજા નામના ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જે પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા હેતલબેનના પતિ મહેશભાઈએ આરોપી નિન્દ્રેશ ગાગલિયા પાસેથી અગાઉ રૂા.14 લાખ 20% વ્યાજે લીધા હતાં અને 10 મહિના સુધી 28 લાખનું વ્યાજના રૂપમાં ચૂકવણુ કર્યુ હતું. તેમ છતાં પઠાણી ઉઘરાણી કરાતી હતી. અને જીજે-03-એચએ-8677 નંબરની ફોર્ચ્યુન કાર, જીજે-10-ડીઈ-9291 નંબરની વેન્યુ કાર અને એક એકટીવા સહિત ત્રણ વાહનો વ્યાજના બદલામાં લઇ લીધા હતાં.
બીજા વ્યાજખોર બનેસિંહ જાડેજા પાસેથી સાડા ચાર લાખ રૂપિયા 10%ના વ્યાજે લીધા હતાં. જેનુું ત્રણ મહિનાનું રૂા.1,35,000 વ્યાજ ચૂકવી આપ્યું હતું અને જામીન તરીકે પોતાના મોટાભાઈના ત્રણ કોરા ચેક લખાવી લીધા હતાં અને ગોકુલનગર વિસ્તારમાં આવેલું મકાન પણ તેના દસ્તાવેજ મેળવી લીધા હતાં તેમજ વધુ એક કોરો ચેક પણ મેળવી લઇ પઠાણી ઉઘરાણી કરાતી હતી. ત્યારબાદ સુખુભા જાડેજા કે જેણે 10 લાખના 10% લેખે 10 મહિનાનું વ્યાજ વસૂલી લીધું હતું અને જામીન તરીકે એક મિલના દસ્તાવેજો પણ આંચકી લીધા હતાં અને પઠાણી ઉઘરાણી કરાતી હતી. આથી હેતલબેન દ્વારા ફરિયાદ નોંધાવતા સિટી સી પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આર ડી ગોહિલ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.