જામનગરના દરેડ ગોડાઉન ઝોનમાં અવાર-નવાર વિજ પુરવઠો ખોરવાઇ જતો હોય. જેને લઇ કારખાનેદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે આજરોજ દરેડ ગોડાઉન ઝોનના ઉદ્યોગકારો દ્વારા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર તથા કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલને આવેદનપત્ર પાઠવી આ અંગે રજૂઆત કરી હતી.
જામનગર દરેડ ગોડાઉન ઝોન શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તથા ખોડલ એસ્ટેટ ખાતે આવેલ ઉદ્યોગકારોને નાનામોટા ઉદ્યોગિક એકમો અવાર-નવાર વિજ પુરવઠો ખોરવાઇ જતો હોવાથી કારખાનેદારોને ખૂબ જ નુકસાની વેઠવી પડે છે. આ ગોડાઉન ઝોનમાં બ્રાસપાર્ટસ, ફૂડ પ્રોસેઝિંગ, પેકેજિંગ સહિતના એકમો આવેલા છે. જેની પ્રોડકટસ વિદેશમાં એકસપર્ટ કરતાં હોવાથી પ્રોડકટના ડિલિવરી સેડ્યૂઅલ ખોરવાઇ જાય છે. છેલ્લા છ મહિનાથી અવાર-નવાર પાવર સપ્લાય ખોરવાઇ છે. આથી ચેલા 66-કેવીમાંથી અલગ એકસપ્રેસ લાઇન ખેંચી આપવા અથવા ફિડર ચેન્જ કરી આપવામાં આવે તો નિયમિત પાવર સપ્લાય મળી રહે તે અંગે કાર્યવાહી કરવા જય વસોયા તથા શૈલેષભાઇ સહિતના ઉદ્યોગકારો દ્વારા આવેદનપત્ર દ્વારા માગણી કરવામાં આવી છે.