જામનગર શહેરમાં આવેલ વિદ્યાસાગર કોલેજ પાસે ચાર શખ્સો દ્વારા કોલેજમાં સીનસપાટા કેમ મારશ કહી યુવાનને અપશબ્દો બોલી માર માર્યાની સિટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના સમર્પણ સર્કલ પાસે રહેતો રાહુલ સામતભાઈ બેડીયાવદરા નામનો યુવાન તા.27ના રોજ વિદ્યાસાગર કોલેજ બહાર પોતાના મિત્રો સાથે ઉભો હતો આ દરમિયાન ભગીરથસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ, અર્જુનસિંહ તથા અન્ય એક શખ્સ આવી ફરિયાદીને તુ કોલેજમાં ખોટા સીનસપાટા કેમ મારશ કહેતા ફરિયાદી એ કહેલ કે હું કાંઇ સીનસપાટા મારતો નથી તેમ કહેતા ભગીરથસિંહ અને પ્રતિપાલસિંહ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને અપશબ્દો કહ્યા હતાં. ફરિયાદીએ અપશબ્દો બોલવાના ના પાડતા અર્જૂનસિંહ એ લોખંડની સ્ટીક વડે તથા પ્રતિપાલસિંહે લોખંડના પાઈપ વડે ફરિયાદીને માર માર્યો હતો. આ દરમિયાન ફરિયાદીનો મિત્ર રાજ ગાગીયા તથા આશિષ સાદીયા વચ્ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર મારી ફરિયાદીને કોલેજમાં ખોટા સીનસપાટા મારીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સો નાશી ગયા હતાં.
આ અંગે રાહુલ બેડીયાવદરા દ્વારા ચાર શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.