ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે ત્રીજી વન-ડે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. જેમાં ભારતે 13 રને જીત મેળવી હતી. ઝિમ્બાબ્વેએ 49.3 ઓવરમાં 276 રન જ કરી શક્યુ હતુ. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ સિરીઝને 3-0થી જીતી લીધી છે. ઝિમ્બાબ્વેના બેટ્સમેન સિકંદર રઝાએ શાનદાર ઇનિંગ રમી હતી.
તેણે 95 બોલમાં 115 રન ફટકાર્યા હતા. જોકે રઝાની આ લડાયક ઇનિંગ ઝિમ્બાબ્વેને જીતા઼ડી શકી નહોતી. ભારત તરફથી સૌથી વધુ આવેશ ખાને 3 વિકેટ લીધી હતી. દીપક ચહર, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી હતી. શાર્દૂલ ઠાકુરને 1 વિકેટ મળી હતી. અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં 8 વિકેટે 289 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયાનો યુવા ખેલાડી શુભમન ગિલે વન-ડે કરિયરની પ્રથમ સેન્ચૂરી ફટકારી હતી. તે 97 બોલમાં 130 રન કરી આઉટ થયો હતો. ઈશાન કિશને પણ વન-ડે કરિયરની મેડન ફિફ્ટી મારી હતી. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ બ્રેડ ઇવાંસે 5 વિકેટ ઝડપી હતી. જ્યારે લ્યુક ઝોંગ્વે અને વિક્ટર ન્યાઉચીએ 1-1 વિકેટ લીધી હતી. શુભમન ગિલને તેની શાનદાર સદી માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. તો પ્લેયર ઑફ ધ સિરીઝ પણ ગિલને જ બનાવવામાં આવ્યો હતો. તેણે આ સિરીઝ દરમિયાન શાનદાર દેખાવ કર્યો હતો.