જામનગર શહેરમાં મયુરનગરમાં આવેલી જામ્યુકોની પ્રાથમિક શાળામાં ધો.3ના વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ આંખમાં બોલપેન ભોંકી દેતાં વિદ્યાર્થીની કીકી ફાટી ગઇ હોવાનો કરૂણ બનાવ સામે આવ્યો છે. આ બનાવને લઇ વાલીઓમાં રોશની લાગણી છવાઇ છે અને આ ગંભીર બનાવને લઇને શિક્ષણ સમિતિ અને શાળાના શિક્ષક સહિતનાઓ સામે સવાલો ઉઠયા છે અને આ બાબતે કોઇ કડક પગલાં લેવાય છે કે કેમ તે પણ ચર્ચાઇ રહયું છે.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મયુરનગરમાં આવેલી કોર્પોરેશનની પ્રાથમિક શાળામાં ધો. 3ના વર્ગમાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ આંખમાં બોલપેન ભોંકી દેતાં આંખ ગુમાવી દેવાનો કરૂણ બનાવ બન્યો છે. આંખ ગુમાવનાર વિદ્યાર્થી શેખરની માતા ઉર્મિલાબેને જણાવ્યું હતું કે, તા. 25ના રોજ બપોરે 3 વાગ્યા બાદ શાળામાં અભ્યાસ કરતાં કેટલાક છોકરાઓએ આંખ ગુમાવનાર વિદ્યાર્થીના ઘરે જઇ શેખરની આંખ ફૂટી ગઇ હોવાનું જણાતા વિદ્યાર્થીના માતા સ્કુલમાં દોડી ગયા હતા અને જોયું તો સાચે જ શેખરની આંખમાંથી લોહી નિકળતું હતું. આથી તેમણે ટીચરને કહ્યું હતું કે, આ તમારી નજરની સામે હાજરીમાં બની ગયું તમે કયાં હતા ? તમે ધ્યાન કેમ ન રાખ્યું છોકરા ઝઘડતાં હતા તો ધ્યાન તો રાખવું પડે ને ? ત્યારે ટીચરે જણાવ્યું હતું કે, હું મારું કામ કરતી હતી. બન્ને છોકરા ઝઘડતા હતા એમાં એકે બીજાને માર્યું અને બીજાએ બોલપેન મારી દીધી હતી. એમાં ખબર ન રહી.
આ અંગે ડૉકટર જણાવે છે કે, આ બાળકની આંખ સંપૂર્ણ ડેમેજ થઇ ગઇ છે. જીંદગીભર જોઇ તો શકશે જ નહીં તેની આંખની કીકી ફાટી ગઇ છે. કલાક ટીચર એવું જણાવી રહયા છે કે, બનાવ સમયે તેઓ કામસર બાજુના કલાસમાં ગયા હતા. પોલસીને ફુટેજ પણ દેખાડયા છે. અને કલાસરૂમમાં વિદ્યાર્થીઓ અકસ્માતે ભટકાતા એકની આંખમાં બોલપેન ખૂંચી ગઇ હોવાનું જણાવી રહયા છે. ત્યારે ભણતરના સમયે બે વિદ્યાર્થીઓ દોડાદોડી શા માટે કરતા હતા તે પણ મોટો પ્રશ્ન છે. તેમજ શાળામાં ઘટનાના ફુટેજ વાલીને શા માટે બતાવવામાં આવતા નથી તેઓ પણ ઇજાગ્રસ્ત બાળકના માતાએ સવાલ ઉઠાવ્યો છે.
લોકો શાળાના ભરોસે બાળકને શાળાએ મોકલતા હોય છે. ત્યારે આવી ગંભીર બેદરકારી માટે કોણ જવાબદાર ? આવા કરૂણ બનાવને લઇ વાલીઓમાં ભારે રોશની લાગણી છવાઇ છે. ધો. 3માં અભ્યાસ કરતાં માસુમ ભુલકાએ આંખ ગુમાવી દેતાં માતાના વલોપાતથી કરૂણ દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે આ ગંભીર ઘટના અંગે શું પગલાં લેવાય છે. તે તો સમય જ કહેશે.