લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતાં યુવાનનો સાત વર્ષનો પુત્ર પાણી ભરેલા ખાડામાં ડુબી જતા મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં સૈનિકભવન નજીક આવેલા ફાટક પાસે રેલવે ટ્રેક પર પસાર થતી ટે્રન હેઠળ કપાઈ જતા અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા પ્રૌઢનું બેશુદ્ધ થઈ જતા જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં આવેલા રાણીશીપ બ્લોક નં.3 માં રહેતાં રમેશકુમાર વિશ્ર્વકર્મા નામના યુવાનનો પુત્ર સોહમ (ઉ.વ.7) નામનો બાળક ગુરૂવારે સવારના સમયે મેઘપર નજીક આવેલી ગુજરીબજાર પાછળ પાણી ભરેલા ખાડામાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ કરતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં સૈનિક ભવનથી આગળ રેલવે ફાટક પાસેના ટે્રક ઉપરથી ગુરૂવારે રાત્રિના સમયે પસાર થતી ટે્રન હેઠળ આશરે 45 વર્ષનો યુવાન કપાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મહેશભાઈ જોશી દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
ત્રીજો બનાવ, જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં સિકયોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શંકરસિંહ હોસિયારસિંહ ભીલોત (ઉ.વ.54) નામના પ્રૌઢ બુધવારે સાંજના સમયે બાથરૂમમાં એકાએક પડી જતાં બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની વિરેન્દ્રસિંહ નેગી દ્વારા જાણ કરાતા હેકો વી.સી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી આરંભી હતી.
મેઘપર નજીક પાણીના ખાડામાં પડી જવાથી બાળકનું મોત
ગુરૂવારે સવારના સમયે ખાડામાં ડૂબી ગયો : જામનગરમાં રેલવે ટ્રેક હેઠળ કપાઈ જતાં યુવાનનું મૃત્યુ : મોટી ખાવડીમાં બેશુદ્ધ થઈ જતાં સિકયોરિટી ગાર્ડનું મોત