જામનગરના ટાઉનહોલ ખાતે સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, દીનદયાલ અંત્યોદય યોજના તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજનાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ચાલતા સ્વ સહાય જૂથો તેમજ સખી મંડળોને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં 10 જેટલા સખી મંડળો અને સ્વ સહાય જૂથોને રૂા.16 લાખની રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે જિલ્લાના 3160 સ્વ સહાય જૂથોને રૂા. 4236.6 લાખની સહાય ચુકવવામાં આવી છે.
જામનગર જિલ્લામાં અત્યારે 4000થી વધુ સખી મંડળો અને સ્વ સહાય જૂથો કાર્યરત છે. જે અંતર્ગત, બહેનો દ્વારા દોરીકામ, ભરતકામ, બાંધણી બનાવવી, ફરસાણ ઉદ્યોગ, બેડશીટ મેકિંગ, બ્રાસ પાર્ટ મેકિંગ, ઇમિટેશન જવેલરી, સૌંદર્ય પ્રસાધનો અને ડેરી પ્રોડક્ટ્સ- આમ અનેકવિધ ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો કાર્યરત છે. અત્યાર સુધીમાં તમામ તાલુકામાં 461 જેટલા સ્વ સહાય જૂથોને રૂા.691.50 લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા છે.
કાર્યક્રમમાં સાંસદએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓના લાભો થકી જામનગર જિલ્લાની મહિલાઓ આત્મનિભર અને સશક્ત બની ગુજરાતના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુચારૂ નેતૃત્વ હેઠળ મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. રાજ્યના છેવાડાના ગામડાઓમાં રહેતી મહિલાઓનો વિકાસ થાય અને પગભર બને તે હેતુથી અનેક સખી મંડળો ચલાવવામાં આવી રહ્યા છે.
કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ધારાસભ્ય રીવાબા જાડેજા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જિલ્લા ગ્રામીણ વિકાસ સમિતિના નિયામક એન.એફ. ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, પ્રાંત અધિકારી દર્શન શાહ, જિલ્લા ખેતીવાડી અધિકારી ગોહિલભાઈ સહિતના અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ જામનગર તાલુકા વિકાસ અધિકારી સરવૈયા ભાઈએ કરી હતી.