લાલપુર તાલુકાના જોગવડ ગામની સીમમાં આવેલી મહાજનની વડિલોપાર્જીત ખેતીની જમીન બે શખ્સોએ કબ્જો રાખી ખાલી નહીં કરી પચાવી પાડયાની ફરિયાદના આધારે પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, મૂળ લાલપુર તાલુકાના જોગવડ ગામના અને હાલ મુંબઇમાં ભીવંડી ખાતે રહેતા નિકેશના દાદા વિરચંદ ઉર્ફે વિદુભાઈ લખમણભાઈ કરણિયાની જોગવડમાં નવા સર્વે નં.84 અને જૂના સર્વે 88 ક્ષેત્રફળ 28794.00 તેમજ નવા સર્વે નંબર 311 (જૂના સર્વે નં.192) વાળી 4485 ક્ષેત્રફળની જમીન વિરચંદભાઈના મૃત્યુ બાદ આ જમીન નિકેશના પિતા ભગવાનજી વિરચંદ કરણિયા અને પરિવારના પંકજ હિરજી, દિનેશ હિરજી, ભગવાનજી વિરચંદ, ચંદુલાલ વિરચંદ, અશોક જયેશ શાહ, પાનીબેન હિરજી શાહ, શાંતાબેન ભગવાનજી કરણિયા, સંદીપ ભગવાનજી કરણિયા, સમીર ભગવાનજી કરણિયા, જ્યોત્સનાબેન જયેશ શાહના સંયુકત વારસદારોના નામે હતી. આ જમીન જોગવડ ગામના હિતેન્દ્રસિંહ પ્રભાતસિંહ કેર અને હેમતસિંહ દેવુભા કેર નામના બે શખ્સોએ કબ્જો રાખી ખાલી નહીં કરી પચાવી પાડી હતી.
અવાર નવાર જમીન ખાલી કરવાનું જણાવવા છતાં જમીન ખાલી નહીં કરતા આખરે કંટાળીને નિકેશ કરણિયાએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ તથા સ્ટાફે લેન્ડ ગ્રેબિંગ હેઠળ બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જોગવડમાં બે શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
મહાજનની વડિલોપાર્જીત કરોડોની કિંમતી જમીન પચાવી પાડી : બન્ને શખ્સો વિરૂધ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી