ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલાની રાહબરી હેઠળ પી.એસ.આઈ. એસ.વી. ગળચરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા તથા યોગરાજસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા-ભાણવડ હાઈવે પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર માંઝા ગામના પાટીયા પાસેથી પોલીસે પસાર થતી જી.જે. 12 બી.એફ. 6341 નંબરની મારુતિ સુઝુકી કારમાં ચેકિંગ કરતા આ કારમાં લઈ જવાતો 150 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર સહિત કુલ રૂપિયા 3.03 લાખના મુદ્દામાલ સાથે ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા ભીમા જેઠા લુણા નામના 35 વર્ષના શખ્સની અટકાયત કરી હતી. જ્યારે આ પ્રકરણમાં ભાણવડ તાલુકાના પાછતરડી ગામના બાલુ જગા રબારીનું નામ ખુલતા તેને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. ઝાલા, પી.એસ.આઈ. ગળચર, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, દિવ્યરાજસિંહ, વિરેન્દ્રસિંહ, યોગરાજસિંહ તથા કાનાભાઈ દ્વારા કરવામાં આવી હતી.