ખંભાળિયાની વર્ષો જૂની અને મહત્વની એવી ઘી નદીમાં છેલ્લા ઘણા સમયથી જાણે કોઈ ગ્રહણ લાગી ગયું હોય તેમ અહીંના પાણીમાં અવિરત રીતે ફેલાયેલા ગાંડી વેલના સામ્રાજ્યના કારણે વિવિધ પ્રકારે હાલાકી થઈ રહી છે. ખાસ કરીને આ ગાંડી વેલના કારણે નદીના પાણી મહદ અંશે બિનઉપયોગી તથા માખી-મચ્છર જેવા જીવજંતુના ઉત્પતિનું કેન્દ્ર બની ગયા છે.
દુર્ગંધ મારતી આ ગાંડી વેલને દૂર કરવા પાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ બની રહ્યું છે. આ વચ્ચે નદીની અંદર ગાંડી વેલમાં ગઈકાલે એક વાછરડું ફસાઈ જતા આ અંગેની જાણ અહીંના એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને કરવામાં આવી હતી. જેથી સંસ્થાના અશોકભાઈ સોલંકી, વિશેષ દેસાણી, મીત સવજાણી, જયુભા પરમાર અને વાલાભાઈ ગઢવી આ સ્થળે દોડી ગયા હતા અને ગાંડી વેલમાં ફસાયેલા વાછરડાને લાંબી જહેમત બાદ સફળતાપૂર્વક બહાર કાઢી અને વાછરડાનો જીવ બચાવાયો હતો. ઘી નદીની ગાંડી વેલમાં અવારનવાર અબોલ પશુઓ પડી જવાના બનાવ હવે સામાન્ય બની રહ્યા છે.