જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ગૌશાળા સર્કલ પાસેથી પસાર થતા ટ્રકચાલકે નિદ્રાધિન યુવક ઉપર ટ્રક ફેરવી દેતાં ગંભીર ઇજા પહોંચતા યુવાનનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ગૌશાળા સર્કલ નજીકથી શનિવારે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં પસાર થઇ રહેલા જીજે25 યુ 9705 નંબરના ટ્રકના ચાલકે તેનો ટ્રક બેફિકરાઇથી ચલાવી નિદ્રાધિન રહેલા કલ્યાણસિંહ (ઉ.વ.37) નામના યુવાનની છાતી અને પગ ઉપરથી ટ્રક ફેરવી દેતાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પત્ની દુર્ગાદેવી દ્વારા જાણ કરાતા પીએસઆઇ એચ. ટી. મઠિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી, ટ્રકચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


