જામનગર શહેરની ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં આવેલી અનાજ-કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલા બાઇકના હુંકમાં ટીંગાળી રાખેલી રોકડ ભરેલી થેલી અજાણ્યો તસ્કર ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના મોટી બાણુગર ગામમાં રહેતા મુકેશભાઇ ભીમજીભાઇ વાંસજાળિયા (ઉ.વ.45) નામના પટેલ વેપારી યુવાન બુધવારે બપોરના સમયે ગ્રેઇન માર્કેટમાં આવેલી કિશાન અનાજ ભંડાર નામની દુકાન પાસે તેમનું જીજે10ઇએ 4295 નંબરનું બાઇક પાર્ક કર્યુ હતું. તેમજ બાઇકની સીટ પાસેના હુંકમાં ટીંગાળી રાખેલ થેલીમાં રૂા.49,500ની રોકડ અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની પાસબુક રાખી હતી. તે દરમ્યાન યુવાન દુકાનમાં માલ-સામાનનું લીસ્ટ લેવા ગયો તે સમયે અજાણ્યા તસ્કરે ગણતરીની મિનિટોમાં રોકડ રકમ ભરેલી થેલી ચોરી કરી નાસી ગયો હતો. આ ચોરીના બનાવ અંગે મુકેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. એસ.યુ.જાડેજા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.