કચ્છના રાપર તાલુકામાં રહેતા એક 70 વર્ષના વૃદ્ધાએ બાળકને જન્મ આપ્યો છે. માતૃત્વ ધારણ કરવાની કોઈ ઉંમરબાધ નથી. મેડિકલ સાયન્સનો સહારો લઈને મોરા ગામનાં 70 વર્ષનાં જીવુબેન રબારીએ લગ્નનાં 45 વર્ષ બાદ ટેસ્ટટ્યૂબ થકી બાળકને જન્મ આપ્યો છે.
મોરા ગામમાં રહેતા 70 વર્ષીય જીવુબેન રબારીના ઘરમાં લગ્નના 45 વર્ષ બાદ પારણુ બંધાયું છે. જીવુબેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકાથી નિસંતાન હતા. અને વૈજ્ઞાનિક ટેકનોલોજીની મદદથી તેઓ માવતર બન્યા છે. ભુજની ખાનગી હોસ્પિટલમાં ડૉ.નરેશ ભાનુશાળીની મદદથી જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી IVF સારવાર ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ગર્ભાધાન કરવા માટેની એક કૃત્રિમ પદ્ધતિ છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ બેબી કહેવાય છે.
જીવુબેને પુત્રને જન્મ આપ્યો છે. હાલ બન્નેની તબીયત સ્વસ્થ છે. આ ઉંમરે તેમની માતા બનવાની ખુશીનો પાર રહ્યો નથી. માલધારી એવા વાલજીભાઈ રબારીએ પિતા બનવાની ખુશીમાં ડોક્ટરની ટીમ અને ભગવાનનો આભાર માન્યો હતો. વૃદ્ધ મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય તેવી ઘટના જ્વલ્લે જ જોવા મળતી હોય છે. દંપતીએ તેમના પુત્રનું નામ લાલો આપ્યું છે.