જામનગર શહેરમાં 24 વર્ષિય યુવકને હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજતાં પરિવારમાં આક્રંદ છવાયો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા થોડા સમયથી યુવાનોમાં હૃદયરોગના હુમલાના બનાવો વધતાં જઇ રહ્યાં છે. નાની વયે થતાં હૃદયરોગના હુમલાથી મૃત્યુના બનાવોને કારણે ચિંતાનો વિષય બનતો જઇ રહ્યો છે. જ્યારે જામનગર શહેરમાં વધુ એક યુવકનું હૃદય બંધ થઇ જતાં મૃત્યુ નિપજ્યું છે. જામનગર શહેરમાં સેનાનગર વિસ્તારમાં રહેતાં રવિ પરબતભાઇ લુણા નામના 24 વર્ષિય યુવાનનું એકાએક છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં દવા લેવા ગયો હતો. જ્યાં તબીબોએ યુવાનનું હાર્ટએટેકના કારણે મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું હતું. 24 વર્ષિય યુવાનના મૃત્યુથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. યુવાનોમાં હૃદયરોગના હુમલા કારણે થતાં મૃત્યુના બનાવ દિવસેને દિવસે ચિંતાનો વિષય બનતા જઇ રહ્યા છે.