સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 13 વર્ષનો કિશોર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર સ્ટંટ અને ડાન્સના વિડીઓ બનાવીને અપલોડ કરતો હતો. પરિવારનું કહેવું છે કે તેમના દીકરાએ છેલ્લા 1 વર્ષમાં 500 જેટલા વિડીઓ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.
સરથાણામાં સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના કિશોરની ગળેફાંસો ખાધેલી હાલતમાં તેના ઘરની ગેલેરીમાંથી લાશ મળી હતી. ધોરણ-8માં ભણતા મીતે જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ભેરવાયો એ હજુ રહસ્ય છે. મીત સ્ટન્ટ સહિત ડાન્સના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર સતત અપલોડ કર્યા કરતો હોવાથી તેની માતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. મીતના પિતા અશ્વિનભાઈ વીરડિયા મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના કેરાળા ગામના વતની છે. તેઓ સરથાણાની માનસરોવર સોસાયટી ખાતે પરિવાર સાથે રહે છે.
મંગળવારે સાંજે પણ તે ઘરની ગેલેરીમાં સ્ટંટ કરતો હતો. સાંજે 7 વાગ્યા સુધી પણ તે ઘરમાં ન આવતાં બહેન હેની તેને જોવા ગેલેરીમાં ગઈ હતી. પહેલી નજરે ભાઇ બેસેલો હોય એવું જણાયું હતું, પરંતુ નજીક જઈને જોતાં તે ફાંસો લાગેલી હાલતમાં હતો. ગેલેરીમાં પાંચેક ફૂટ ઉપર લાગેલા ખીલાને પટ્ટા જેવી દોરી બાંધેલી હતી. તેને તાત્કાલિક સુરત ડાયમન્ડ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મીતનું મોત ગળેફાંસો ખાધેલી હાલતમાં થયાનું સ્પષ્ટ થયું છે. હવે સવાલ એ છે કે મીતે જાતે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો કે પછી સ્ટન્ટ કરવા જતાં કે પછી રમત રમતમાં ફાંસો લાગી જવાથી તેનું મોત થયું?