જામનગર સહિત સમગ્ર દેશમાં બાળકોથી લઇ 45 વર્ષ સુધીના યુવાનોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાની ઘટનાએ દેશભરમાં હાહાકાર મચાવી દીધો છે. હૃદયરોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓ કોરોના કાળ બાદ ઘણી વધી ગઇ છે તેમાં પણ ખાસ કરીને નાના બાળકો અને યુવકો વધુને વધુ ભોગ બની રહ્યા છે. ત્યારે જામનગરના વેપારી યુવાનનો મુંબઇમાં કાંદીવલીમાં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં રહેતા 13 વર્ષના તરૂણ પુત્રનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાની ઘટનાએ હાલારને હચમચાવી દીધુ છે.
હૃદય દ્વવી ઉઠે તેવી ઘટનાની વિગત મુજબ, જામનગર શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતાં અને પુરસ્કાર ગીફટ શોપના નામે વ્યવસાય કરનાર સચિન વેણીભાઈ ગઢેચા નામના યુવાનનો પુત્ર ઓમ (ઉ.વ.13) નામનો તરૂણ મુંબઇના કાંદિવલીમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. તે દરમિયાન મુંબઇમાં રહેતા ઓમને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું. 13 વર્ષના તરૂણ બાળકના હૃદયરોગના હુમલાથી થયેલા મૃત્યુએ સચિનભાઈ અને તેના પરિવારને હચમચાવી દીધો હતો. તરૂણના મૃત્યુના સમાચારથી પરિવાર આઘાતમાં સરી પડયો હતો. આજે સવારે ઓમના મૃતદેહને મુંબઇ થી જામનગર લઇ આવવામાં આવ્યો હતો. આજે બપોરે 1 વાગ્યેે ઓમ ગઢેચાની અંતિમ યાત્રા તેમના કામદાર કોલોની 3 માં આવેલા નિવાસસ્થાનેથી નિકળશે.
જામનગર શહેર અને જિલ્લામાં તથા સમગ્ર દેશમાં છેલ્લાં થોડાંક સમયથી બાળકો અને યુવકો તથા યુવાનોને હૃદયરોગના હુમલાથી મોત નિપજવાની ઘટનાએ દેશભરમાં ચિંતા ફેલાવી દીધી છે. તેમાં પણ ખાસ કરીને બાળકોમાં હૃદયરોગના હુમલાથી તબીબો પણ માટે પણ ચિંતા ઉપજાવી છે. પ્રૌઢાવસ્થામાં હૃદયરોગના હુમલા આવે તે સામાન્ય બાબત છે પરંતુ છેલ્લાં પાંચ મહિનાથી દેશભરમાં હૃદયરોગના હુમલાથી મોતની ઘટનામાં બાળકો અને યુવકોનો ભોગ વધુ લેવાઈ છે. આ ઘટનાઓ કોરોના મહામારીના કપરા કાળ બાદ શરૂ થયું હોવાથી અનેક તર્ક-વિર્તકો થઈ રહ્યા છે.