ઓપનિંગ બેટર લૌરા વૂલફાર્ટ અને તાજમિન બ્રિટ્ઝની ફિફટી બાદ આયાબોંગા ખાકા અને શબનીમ ઈસ્માઈલની ધારદાર બોલિંગથી દક્ષિણ આફ્રિકાએ બીજા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને છ રને હરાવ્યું છે. આ સાથે જ આફ્રિકા આઈસીસી વિમેન્સ ટી-20 વર્લ્ડકપના ફાઈનલમાં પહેલીવાર પહોંચ્યું છે. હવે તે આવતીકાલે ફાઈનલમાં ગત ચેમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે જેણે પ્રથમ સેમિફાઈનલમાં ભારતને પાંચ રને હરાવ્યું હતું. આફ્રિકા વતી વૂલફાર્ટે 44 બોલમાં 53 તો બ્રિટ્ઝે 55 બોલમાં 68 રનની ઈનિંગ રમી હતી. આ બન્નેએ પહેલી વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી જેના કારણે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકાએ ચાર વિકેટે 164 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ આઠ વિકેટે 158 રન જ બનાવી શકી હતી. આફ્રિકા વતી ખાકાએ 29 રન આપીને ચાર અને ઈસ્માઈલએ 27 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. ઈંગ્લેન્ડ વતી ડૈની વાયટ (34 રન) અને સોફિયા ડંકલે (28 રન)એ પહેલી વિકેટ માટે 53 રન બનાવીને ઈંગ્લેન્ડને સારી શરૂઆત અપાવી હતી.
આફ્રિકાની મુખ્ય બોલર ઈસ્માઈલે ડંકલેને આઉટ કરીને આ ભાગીદારી તોડી અને તેના એક બોલ પછી યુવા બેટર એલિસ કૈપ્સીને પણ આઉટ કરી હતી. વાયટની ઈનિંગનો અંત આયાબોંગા ખાકાએ કર્યો હતો. તેણે પોતાની ઈનિંગમાં છ ચોગ્ગા લગાવ્યા હતા. આ બન્ને બેટરોના કેચ બ્રિટ્ઝે પકડ્યા હતા. ઈંગ્લેન્ડ ઉપર દબાણ વધતું ગયું અને તેણે આઠ રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડને અંતિમ ઓવરમાં 12 રનની જરૂર હતી અને નાઈટ ક્રિઝ ઉપર હતી. ઈસ્માઈલે શ્રેષ્ઠ બોલિંગ કરી ત્રીજા બોલે નાઈટને આઉટ કરીને ઈંગ્લેન્ડની આશા પર પાણી ફેરવી દીધું હતું. તેણે અંતિમ ઓવરમાં માત્ર છ રન જ આપ્યા હતા. આ પહેલાં બેટિંગમાં દક્ષિણ આફ્રિકાએ અંતિમ છ ઓવરમાં 66 રન બનાવ્યા હતા જે તેના માટે ફાયદાકારક નિવડ્યા હતા. ઈંગ્લેન્ડ વતી સ્ટાર સ્પીનર સોફી એક્સલેસ્ટોને ચાર ઓવરમાં 22 રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી.