જામનગર મહાપાલિકાની આજે યોજાયેલી બજેટ બેઠકમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારીયાએ જામ્યુકોનું વર્ષ 2023-24નું અંદાજપત્ર ચર્ચા માટે રજૂ કર્યું હતું. જામનગર મહાપાલિકાના 1080 કરોડના ખર્ચના અંદાજો દર્શાવતું બજેટ મંજૂરી માટે મેયર અને સામાન્ય સભાના અધ્યક્ષ બીનાબેન કોઠારીને સુપ્રત કર્યું હતું. બજેટમાં કુલ 23.50 કરોડના વધારાના કરબોજની દરખાસ્તોને માન્ય રાખવામાં આવી છે. જેમાં પાણી વેરામાં વધારાનો પણ સમાવેશ થાય છે.
ટાઉનહોલમાં યોજાયેલી જામનગર મહાપાલિકાની બજેટ બેઠકમાં સ્થાયી સમિતિ અધ્યક્ષ મનિષ કટારીયાએ વર્ષ 2023-24માં બજેટને રજૂ કરતાં જણાવ્યું હતું કે, લોકોની સુખાકારી અને સ્વાસ્થ્ય સેવાઓમાં વધારો થાય તે માટે કમિશનર દ્વારા સૂચિત કરવેરા વધારામાં રાહત આપી નવી યોજનાઓનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્માર્ટ સીટી સર્વેક્ષણમાં જામનગરને રાજ્યમાં 100 ગુણ પ્રાપ્ત થતાં જામનગરનો સમાવેશ પણ સ્માર્ટ સીટીમાં થવાની સંભાવનાઓ વધી ગઇ છે. ત્યારે સ્માર્ટ સીટી યોજનામાં જામનગર શહેરના સમાવેશથી શહેરના વિકાસને બેવડો વેગ મળશે.
આ ઉપરાંત નલ-સે-જલ યોજના, અમૃત યોજના, ભૂગર્ભ ગટર યોજના, આંતરમાળખાકીય સુવિધાના કામો તેમજ રંગમતિ રિવર ફ્રન્ટ સહિતની યોજનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. રજૂ કરાયેલા બજેટમાં કુલ 23.50 કરોડનો નવો કરદર વધારો માન્ય રાખવામાં આવ્યો છે. જેમાં વોટર ચાર્જીસમાં રૂા. 150ના વધારાનો પણ સમાવેશ થાય છે.
ચેરમેને રજૂ કરેલા બજેટને સત્તાપક્ષના સભ્યોએ આવકાર્યું હતું અને જામનગર શહેરના વિકાસને નવો આયામ આપનારું ગણાવ્યું હતું. બીજીતરફ બજેટના મુદ્ાઓની ચર્ચા દરમિયાન વિપક્ષી સભ્યોએ રાબેતા મુજબ વિરોધના સૂર વ્યક્ત કર્યા હતાં. ખાસ કરીને વોટર ચાર્જમાં કરવામાં આવેલા વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષી સભ્ય આનંદ રાઠોડે જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા દરવર્ષે 365 દિવસમાં પાણી ચાર્જ વસુલવામાં આવે છે. જ્યારે અડધા દિવસો જ પાણી આપવામાં આવે છે. આવી સ્થિતિમાં પાણી ચાર્જમાં વધારો અયોગ્ય છે. જેને પાછો ખેંચવો જરૂરી છે.
બજેટ પરની ચર્ચા દરમિયાન વિપક્ષી કોર્પોરેટર અસલમ ખિલજીએ નદીના દબાણો મુદ્ે એક ચોક્કસ સમુદાયને સત્તાધિશો દ્વારા ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્ે સામાન્ય સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. આખી ચર્ચા જાતિવાદ ઉપર ડાયવર્ડ થઇ જતાં સત્તાપક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો સામ-સામે આવી ગયા હતાં. એક સમયે તો બોર્ડમાં ભારત માતા કી જયના નારા પણ લાગ્યા હતાં. અસલમ ખિલજીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રિવર ફ્રન્ટના નામે ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, દબાણો હટાવવામાં એક સમાન નીતિ અખત્યાર કરવી જોઇએ. માત્ર ચોક્કસ જગ્યા કે, ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવાને બદલે શહેરમાં જે કોઇપણ જગ્યાએ ગેરકાયદે દબાણો થયા છે. તે તમામ દબાણો હટાવવા જોઇએ.
મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બજેટ બેઠકમાં કમિનર વિજય ખરાડી, ઇન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની, ઇનચાર્જ આસી. કમિશનર કોમલ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ચર્ચાને અંતે જામ્યુકોના બજેટને બહાલી આપવામાં આવી હતી.