કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની વેબસાઇટ પર ઓનલાઇન ક્લેઇમ ઉપરાંત કર્મચારીઓને પોતાનું એકાઉન્ટ લોગઇન કરવામાં છેલ્લા એક પખવાડીયાથી સમસ્યા નડી રહી છે. જેને કારણે કર્મચારીઓને ઇપીએફઓમાં કલેઇમ સંબંધિત કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલીક ટેકનિકલ ક્ષતિના કારણે આ સમસ્યા સર્જાઇ રહી હોવાનું સ્થાનિક કચેરીના અધિકારી જણાવી રહ્યાં છે.
ઇપીએફઓની વેબસાઇટ પર કલેઇમ રજૂ કરવા માટે કર્મચારીઓએ પોતાનું એકાઉન્ટ લોગઇન કરવું જરુરી છે. ત્યારે આ પ્રક્રિયામાં એક પખવાડીયાથી સર્જાતી સમસ્યાને કારણે અસંખ્ય કર્મચારીઓ કલેઇમને લઇને મુશ્કેલીમાં મૂકાયા છે. વેબસાઇટની આ સમસ્યા અંગે ઇપીએફઓની જામનગર સ્થિત કચેરીનો સંપર્ક સાધતાં તેમના અધિકારીએ સાઇટ પર કેટલીક ટેકનિક ક્ષતિ હોવાનું સ્વિકાર્યું હતું. જો કે, કલેઇમની પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ્પ હોવાનો તેમણે ઇન્કાર કર્યો છે. ટેકનિકલ ક્ષતિના કારણે સર્જાયેલી આ સમસ્યા અંગે તેમણે કહ્યું કે, સ્થાનિક કચેરીને ખાતેદારો તરફથી હજૂ સુધી કોઇ લેખિત ફરિયાદ મળી નથી, પરંતુ આ અંગે જો કોઇ ફરિયાદ આવશે તો તે અંગે વડી કચેરીને જાણ કરવામાં આવશે.
અધિકારીએ એમ પણ જણાવ્યું કે, જે ખાતેદારને લોગઇનમાં તેમજ કોઇ અન્ય સમસ્યા જણાઇ તો તેઓ ઓફલાઇન પણ આ પ્રક્રિયા હાથ ધરી શકે છે. ઓફલાઇન કલેઇમ રજૂ કરવાની પ્રક્રિયા કાયમી રીતે ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું. ઓનલાઇનમાં લોગઇનની સમસ્યા હોય તો તે અંગેના સ્ક્રીનશોટ સાથે અત્રેની કચેરીએ ખાતેદારોએ રજૂઆત અથવા તો ફરિયાદ કરવા પણ તેમણે જણાવ્યું છે.