ગુજરાતમાં વર્ષ 2002ના ગોધરા કાંડ કેસમાં રાજ્ય સરકારના આકરા વિરોધ છતાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે આજીવનકેદની સજા કાપી રહેલા એક દોષિતને જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું કે દોષિત ફારૂક 2004થી જેલમાં છે અને 17 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. તેથી તેને જામીન પર મુક્ત કરવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયાધીશ પીએસ નરસિંહાને સમાવતી બેન્ચ અન્ય 17 દોષિતોની અપીલો પર રજા પછી સુનાવણી કરશે. ગોધરાકાંડમાં આ દોષિતોને સાબરમતી ટ્રેન પર પથ્થરમારો કરવા બદલ સજા થઈ છે. ફારૂકની જામીન અરજીનો વિરોધ કરતાં ગુજરાત સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, આ માત્ર પથ્થરબાજી નહોતી. આ જધન્ય ગૂનો હતો, કારણ કે સળગતી ટ્રેનમાંથી લોકોને બહાર નીકળવા દેવાયા નહોતા, જેના કારણે ટ્રેનના સળગતા એસ-6 કોચમાં બાળકો અને મહિલાઓ સહિત 59 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. પાછલી સુનાવણીમાં પણ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દોષિતોની મુક્તિનો વિરોધ કર્યો હતો.
ગુજરાત સરકારે ગોધરાકાંડમાં પથ્થરબાજોની ભૂમિકાને ગંભીર ગણાવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સામાન્ય રીતે પથ્થરમારો સામાન્ય પ્રકૃતિનો ગૂનો છે. જોકે, આ કેસમાં ટ્રેન કોચ સળગતો હતો અને કોચમાંથી હિન્દુ પ્રવાસીઓ બહાર ન આવી શકે તેટલા માટે પથ્થરમારો કરાયો હતો. સીજેઆઈ ચંદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચે જણાવ્યું હતું કે, આમાંથી કેટલાક દોષિતો પથ્થરબાજ હતા અને તેઓ જેલમાં લાંબા સમયથી છે. એવામાં કેટલાકને જામીન પર છોડી શકાય છે.